નવીદિલ્હી
મુંબઈની એક મહિલા જે ૨૦ વર્ષ પહેલા કામ માટે વિદેશ ગયા બાદ ગુમ થઈ ગઈ હતી, તેને સોશિયલ મીડિયાની મદદથી પાકિસ્તાનમાંથી શોધી કાઢવામાં આવી છે. પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં રહેતી હમીદા બાનો (૭૦), વર્ષ ૨૦૦૨માં દુબઈમાં હાઉસ હેલ્પર તરીકે કામ કરવા માટે શહેર છોડીને ગયા પછી તાજેતરમાં કુર્લામાં રહેતા તેના પરિવાર સાથે સંપર્ક સાધવામાં સફળ થઈ હતી. મહિલાના પરિવારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં એક સામાજિક કાર્યકર વલીઉલ્લાહ મરૂફ બાનોને મળ્યો હતો, જેણે તેને કહ્યું હતું કે કેવી રીતે મુંબઈના એક એજન્ટે તેને ૨૦ વર્ષ પહેલાં દુબઈમાં કામનું વચન આપીને છેતરી હતી અને દુબઈના બદલે તે પાડોશી દેશમાં આવી ગઈ હતી. બાનોએ પાકિસ્તાનના સિંધ પ્રાંતના મુખ્ય શહેર હૈદરાબાદમાં રહેવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેણે એક સ્થાનિક વ્યક્તિ સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને એક બાળક પણ હતું. પરંતુ તેના પતિનું પાછળથી અવસાન થયું હતું. તેણીની આપવીતી સાંભળીને અને ઘરે પાછા જવાની ઝંખના જાણીને મારૂફે તેની યુટ્યુબ ચેનલ પર બાનોનો વિડીયો અપલોડ કર્યો અને મુંબઈમાં એક સામાજિક કાર્યકરની શોધ કરી જે તેને મદદ કરી શકે, અને આખરે તેને એક ખફલાન શેખ મળ્યો. ત્યારપછી શેખે તેના લોકલ ગ્રુપ્સમાં આ વિડીયો સરક્યુલેટ કર્યો અને કુર્લાના કસાઈવાડા વિસ્તારમાં રહેતી બાનોની પુત્રી યાસ્મીન બશીર શેખને શોધી કાઢી. યાસ્મિને કહ્યું હતું કે, “મારી માતા ૨૦૦૨માં એક એજન્ટ મારફતે ભારત છોડીને દુબઈ કામ કરવા માટે ગઈ હતી. જાેકે, એજન્ટની બેદરકારીને કારણે તે પાકિસ્તાનમાં પહોંચી ગઈ હતી. અમે તે ક્યાં છે તેનાથી અજાણ હતા અને તે એજન્ટ દ્વારા માત્ર એક જ વાર તેનો સંપર્ક કરી શક્યા હતા.” તેણીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ બાનો ઘરકામમાં મદદ કરવાના કામ માટે પણ કતાર ગઈ હતી. યાસ્મિને વધુમાં કહ્યું કે, “અમે ખુશ છીએ કે અમારી માતા જીવંત અને સુરક્ષિત છે. અમે હવે ઇચ્છીએ છીએ કે ભારત સરકાર તેણીને પરત લાવવામાં અમારી મદદ કરે.” પરિવારજનો પાકિસ્તાન હાઈ કમિશનનો સંપર્ક સાધવાનું વિચારી રહ્યાં છે, જેથી આ વૃદ્ધા સ્ત્રીને સુરક્ષિત રીતે ઘરે પરત લાવી શકાય.
