નવીદિલ્હી
દેશના ૫ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં આગામી મહિનાથી વિધાનસભા ચૂંટણી થવાની છે. ઉત્તર પ્રદેશમાં ૭ તબક્કામાં ચૂંટણી થશે. યૂપીમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત ૧૦ ફેબ્રુઆરીએ થશે અને છેલ્લા તબક્કાનું મતદાન ૭ માર્ચે થશે. ઉત્તરાખંડ અને ગોવામાં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે પંજાબમાં ૨૦ ફેબ્રુઆરીએ વોટિંગ થશે. મણિપુરમાં બે તબક્કામાં ૨૭ ફેબ્રુઆરી અને ૩ માર્ચે મતદાન થશે. તમામ રાજ્યોમાં મતની ગણતરી ૧૦ માર્ચે થશે. જણાવી દઈએ કે પંજાબમાં પહેલા મતદાનની તારીખ ૧૪ ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી હતી. હવે તેને બદલીને ૨૦ ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. સંત રવિદાસ જયંતીના કારણે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. લગભગ તમામ રાજકીય પક્ષોએ મતદાનની તારીખ બદલવાની માંગ કરી હતી. ભલામણ કરવામાં આવી હતી કે મતદાનની તારીખને એક અઠવાડિયા પછી રાખવામાં આવે. તે જ સમયે આ મુદ્દા પર ચૂંટણી પંચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજીને પોતાનો ર્નિણય આપ્યો.ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને લઈ કોંગ્રેસે ઉમેદવારોનું બીજી લિસ્ટ જાહેર કર્યુ છે. કોંગ્રેસના ૪૧ ઉમેદવારોના આ લિસ્ટમાં ૧૬ મહિલા ઉમેદવાર છે. કોંગ્રેસે કૈરાનાથી હાજી અખલાકને ટિકિટ આપી છે. તેની સાથે મેરઠથી રંજન શર્મા, આગરા કેટથી સિકન્દર વાલ્મીકી અને માંટથી સુમન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા જાહેર કરેલા ૧૨૫ ઉમેદવારોના લિસ્ટમાં ૫૦ મહિલા ઉમેદવારોના નામ હતા. જણાવી દઈએ કે પ્રથમ લિસ્ટના ઉમેદવારોના નામની જાહેરાત કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ૧૨૫ ઉમેદવારોમાં ૪૦ ટકા મહિલાઓ અને ૪૦ ટકા યુવાનો છે. ઉન્નાવ રેપ પીડિતાની માતાને પણ કોંગ્રેસે ઉમેદવાર બનાવી છે. મોટા નામોની વાત કરીએ તો સલમાન ખુર્શીદની પત્ની લુઈસ ખુર્શીદને ટિકિટ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લૂ અને પ્રતાપગઢની રામપુરખાસ સીટથી આરાધના મિશ્રા મોનાને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે સિવાય સદફ જાફરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉન્નાવથી કોંગ્રેસે આશા સિંહને ઉમેદવાર બનાવ્યા છે.


