નવીદિલ્હી
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વિપક્ષે આ દરમિયાન પોતાના શક્તિ પ્રદર્શનનો પૂરો પ્રયાસ કર્યો છે. યશવંત સિન્હાની ઉમેદવારી પ્રક્રિયામાં સામેલ થવા માટે શરદ પવાર, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા મોટા નેતા સામેલ થયા હતા. તો સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી અને ટીએમસીના સુધીન્દ્ર કુલકર્ણી સહિત અન્ય વિપક્ષી નેતા હાજર રહ્યા હતા. કોંગ્રેસના રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ આ તકે હાજર રહ્યા હતા.
આ સિવાય આજે સવારે યશવંત સિન્હાની ઉમેદવારીનું સમર્થન કરનારી તેલંગણાની સત્તામાં રહેલી પાર્ટી ટીઆરએસના નેતા પણ પહોંચ્યા હતા. જમ્મુ-કાશ્મીરથી ફારૂક અબ્દુલ્લા પણ પોતાનું સમર્થન આપવા પહોંચ્યા હતા. યશવંત સિન્હા એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને ટક્કર આપશે. પરંતુ મુર્મૂની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. તેનું કારણ છે કે એનડીએ બહુમતથી માત્ર થોડા મત દૂર છે. તો તેને બીજેડી, વાયએસઆર કોંગ્રેસ સહિતની પાર્ટીએ સમર્થનની જાહેરાત કરી છે. તેવામાં મુર્મૂનું આગામી રાષ્ટ્રપતિ બનવાનું નક્કી છે.