નવીદિલ્હી
હર ઘર તિરંગા અભિયાન પર વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દેશદ્રોહી સંગઠન ગણાવતા નવેસરથી વિવાદ ઊભો થયો છે. અત્રે જણાવવાનું કે દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. ભાજપ અને કેન્દ્ર સરકાર તરફથી દેશમાં તે માટે દરેક ઘરે તિરંગો લહેરાવવાના અભિયાનની શરૂઆતની જાહેરાત કરાઈ છે. પીએમ મોદી સહિત અન્ય બીજેપી નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પોત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડીપી ચેન્જ કરીને તિરંગો મૂકયો છે. આ બધા વચ્ચે રાહુલ ગાંઘી ગઈ કાલે કર્ણાટક પ્રવાસે હતા. અહીં તેમણે હર ઘર તિરંગા અભિયાનને લઈને ભાજપ તથા આરએસએસ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક પ્રવાસ દરમિયાન કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના કર્મચારીઓ સાથે મુલાકાત કરી. ત્યારબાદ રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી જેમાં લખ્યું છે કે ‘કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના તમામ સાથીઓને મળીને ખુબ આનંદ થયો. ઈતિહાસ સાક્ષી છે કે હર ઘર તિરંગ મુહીમ ચલાવનારા, એ દેશદ્રોહી સંગઠનમાંથી નીકળ્યા છે, જેમણે ૫૨ વર્ષ સુધી તિરંગો ફરકાવ્યો નથી. આઝાદીની લડતથી, તેઓ કોંગ્રેસ પાર્ટીને ત્યારે પણ રોકી ન શક્યા અને આજે પણ રોકી શકશે નહીં.’

