નવીદિલ્હી
રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક પ્રવાસ દરમિયાન ચિત્રદુર્ગમાં શ્રી મુરુધા મઠની પણ મુલાકાત કરી. આ મઠનું લિંગાયત સમુદાયમાં મોટું મહત્વ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ ઈષ્ટલિંગ અને શિવયોગ વિશે વિસ્તૃત માહિતી ઈચ્છે છે. તેમણે કહ્યું કે ‘હું છેલ્લા કેટલાક સમયથી બસવન્ના જીને ફોલો કરી રહ્યો છું અને તેમને વાંચી રહ્યો છું. તેથી અહીં આવવુ મારા માટે વાસ્તવિક સન્માનની વાત છે. મારી એક વિનંતી છે, જાે તમે મારી પાસે કોઈ એક એવા વ્યક્તિને મોકલી શકો છો જે મને ઇષ્ટલિંગ અને શિવયોગ વિશે વિસ્તારથી જણાવી શકે, તો મને લગભગ તેનાથી ફાયદો થશે.’ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચિત્રદુર્ગમાં શ્રી મરૂધા મઠના દ્રષ્ટા ડો. શ્રી શિવમૂર્તિ મુરૂધ શરણારૂ પાસે લિંગ દીક્ષા ગ્રહણ કરી. સામાન્ય રીતે લિંગાયત સમુદાયના લોકો ક્રિસ્ટલથી બનેલ ઇષ્ટલિંગ પહેરીને આ અનુષ્ઠાનને કરે છે. રાહુલે બસવન્નાનો ઉલ્લેખ કર્યો. પરંતુ શું તમે જાણો છો કે બસવન્ના કોણ હતા? બસવન્નાને બસવ પણ કહેવામાં આવે છે. તે ૧૨મી સદીના એક મહાન સમાજ સુધારક હતા. સમાજ સુધારક હોવા સિવાય એક દાર્શનિક, કવિ તથા શિવ ભક્ત હતા. તેણમે લિંગાયત ધર્મની સ્થાપના કરી હતી. આ ધર્મમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. નોંધનીય છે કે લિંગાયત અને વીરશૈવ કર્ણાટકના બે મોટા સમુદાય છે. તેવામાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું આ મઠ જવુ ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે કારણ કે શ્રી મરૂધા મઠ લિંગાયત સમુદાય માટે એક મહત્વનું ધાર્મિક સ્થળ છે. ઇષ્ટલિંગ સામાન્ય રીતે ગળામાં પહેરાતા ભગવાન શિવલિંગને કહે છે. લિંગાયત ધર્મના અનુયાયી હંમેશા હારની સાથે ઇષ્ટલિંગ ધારણ કરે છે. તે હળવા ભૂરા રંગના સ્લેટના પથ્થરથી બનેલું હોય છે. ઇષ્ટલિંગ પહેરનાર ભગવાન શિવની આરાધના કરે છે. ઇષ્ટલિંગને ગળામાં પહેરી શકાય છે અને તે એક જગ્યા પર સ્થિત નથી હોતું. કહેવાય છે કે જ્યારે પણ કોઈ લિંગાયતે પૂજા કરવાની હોય તો તે પોગાના ગળાના આ શિવલિંગને પોતાની હથેળી પર રાખી પ્રાર્થના કરે છે. શિવયોગ એક દિવ્ય યોગ છે. કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં આ યોગ બને તો તેને ઘણા લાભ થાય છે. આ એક દુર્લભ યોગ છે જે ત્યારે થાય છે જ્યારે નવમ ભાવનો સ્વામી દશમ ભાવમાં અને દશમ ભાવનો સ્વામી પંચમ ભાવમાં હોય.

