નવીદિલ્હી
સજા સંભળાવતા પહેલા લાલુ પ્રસાદ યાદવનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ વધી ગયું હતું તો તેમની કિડનીની હાલત બગડતી હોવાની પણ ચર્ચા છે. લાલુ પ્રસાદની કિડની અત્યારે માત્ર ૨૦ ટકા જ કામ કરી રહી છે. કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ રૂમની બહાર વરિષ્ઠ આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી, જયપ્રકાશ નારાયણ યાદવ, શ્યામ રજક હાજર રહ્યા હતા. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે સરકારી નાણાનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ષડયંત્રના આરોપમાં આઈપીસીની કલમ ૧૨૦બી, ૪૨૦, ૪૦૯, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭એ અને પીસીની કલમ ૧૩(૨), ૧૩(૧), (સી) હેઠળ આ કૌભાંડમાં ષડયંત્ર રચવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ૧૫ ફેબ્રુઆરીએ કોર્ટે લાલુ પ્રસાદ સહિત ૭૫ આરોપીઓને ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે ૧૩૯.૩૫ કરોડ ઉપાડવાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી ૩૮ આરોપીઓ સિવાય બાકીના તમામને સજા થઈ ચૂકી છે. લાલુ પ્રસાદ અને અન્ય આરોપી ડૉ. કૃષ્ણ મોહન પ્રસાદ હજુ પણ રિમ્સમાં દાખલ છે, જ્યારે ૩૬ આરોપી બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ પહેલા લાલુ પ્રસાદને ચાઈબાસા ટ્રેઝરીમાંથી ૩૭.૬૭ કરોડ રૂપિયાના ગેરકાયદેસર ઉપાડમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. આ કેસમાં તેમને પાંચ વર્ષની સજા થઈ છે. બીજી તરફ દેવઘર ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે ૮૪.૫૩ લાખ રૂપિયા ઉપાડવાના કેસમાં દોષિત લાલુ પ્રસાદને સાડા ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ચાઈબાસા ટ્રેઝરીમાંથી ૩૩.૬૭ કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવાના કેસમાં તેને ફરીથી પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. દુમકા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે ૩.૧૩ કરોડ રૂપિયા ઉપાડવાના મામલામાં લાલુ પ્રસાદને સૌથી વધુ સજા થઈ છે. આ કેસમાં તેને સાત વર્ષની સજા થઈ છે. ચારેય કેસમાં લાલુ પ્રસાદને જામીન મળી ચૂક્યા છે.બિહારના પૂર્વ સીએમ અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદને ઘાસચારા કૌભાંડ, ડોરાંડા ટ્રેઝરીમાંથી ૧૩૯.૩૫ કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડના સૌથી મોટા કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે સજા સંભળાવી છે. ડોરાન્ડા કેસમાં લાલુ પ્રસાદ યાદવને ૫ વર્ષની સજા આપવામાં આવી છે અને રૂપિયા ૬૦ લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે.


