નવીદિલ્હી
ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું. તેમણે નોર્થ સાઉન્ડના વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ચાર વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં ઓલરાઉન્ડર રાજ બાવાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે પહેલા ઈંગ્લેન્ડની પાંચ વિકેટ લીધી અને પછી બેટ વડે પણ ૩૫ રનની ઉપયોગી ઈનિંગ્સ રમી. ભારતની જીત બાદ ઘણા લોકોએ તેને દિલ ખોલીને અભિનંદન આપ્યા હતા. જેમાં બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર પણ સામેલ હતો. જાે કે શાહિદ કપૂરે ભારતીય ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ આ મામલે તેણે મોટી ભૂલ કરી છે. શાહિદ સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન આપતી વખતે કરેલી ભૂલને કારણે ઘણો ટ્રોલ થઈ રહ્યો છે. યશ ધુલની ભારતીય અંડર-૧૯ ટીમને અભિનંદન આપતી વખતે, બોલિવૂડ સ્ટારે ૨૦૧૮ની ટીમની તસવીર શેર કરી. તેણે પૃથ્વી શૉની કેપ્ટનશીપવાળી ટીમની તસવીર શેર કરી. આ ફોટામાં પૃથ્વી સૌ, શુભમન ગિલ, કમલેશ નાગરકોટી અને શિવમ માવી જેવા ખેલાડીઓ જાેવા મળી રહ્યા છે. શાહિદે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ખોટી તસવીર શેર કરી છે. જાે કે શાહિદે તે તસવીર ડિલીટ કરી દીધી હતી પરંતુ ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયા હતા. શાહિદની આ ભૂલની મજાક ઉડાવવામાં આવી રહી છે.
