નવીદિલ્હી
ક્રિકેટની આવક બાબતે ભારત વિશ્વમાં ટોચના ક્રમે છે. બી.સી.સી.આઈ અત્યારે વિશ્વનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે. ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ આવે છે, પણ બી.સી.સી.આઈની આવક સતત વધી રહી છે. આજે વિશ્વની મોટી કંપનીઓ ટીમ ઈન્ડિયા સાથે જાેડાવા માંગે છે. જેના કારણે બી.સી.સી.આઈની આવક આસમાને આંબી ગઈ છે. બી.સી.સી.આઈની આવકના કારણે અન્ય ક્રિકેટ બોર્ડના પેટમાં તેલ રેડાય છે. ખાસ કરીને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને બી.સી.સી.આઈની આવક આંખના કણાની જેમ ખૂંચે છે. ખાસ કરીને આ વર્ષે ટીવી રાઇટ્સના વેચાણ બાદ બી.સી.સી.આઈની આવક ઘણી વધી ગઇ છે. બી.સી.સી.આઈ સહિત અન્ય દેશોના બોર્ડે ગત વર્ષે કુલ મળીને કેટલી કમાણી કરી તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે. વર્તમાન સમયે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડની હાલત ખરાબ છે. આંકડા મુજબ, વર્ષ ૨૦૨૧માં આશરે શ્રીલંકા ૧૦૦ કરોડ રૂપિયાની કુલ આવક સાથે દસ દેશોમાં પાછળ રહ્યું હતું, જ્યારે ઝિમ્બાબ્વેની વાર્ષિક કમાણી ૧૧૩ કરોડ હતી. વિન્ડીઝ બોર્ડ આઠમા નંબરે હતું અને તેણે વર્ષ ૨૦૨૧માં ૧૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે આ મામલામાં આ દેશોને પાછળ છોડીને એક વર્ષમાં ૨૧૦ કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી હતી. જ્યારે સાઉથ આફ્રિકન બોર્ડની વાર્ષિક કમાણી રુપિયા ૪૮૫ કરોડ રહી હતી. બીજી તરફ બાંગ્લાદેશની કમાણી આશ્ચર્યજનક રહી હતી. બાંગ્લાદેશના ક્રિકેટની અર્થવ્યવસ્થા બાકીના દેશોથી વધુ મજબૂત હોવાનું દર્શાવે છે. અત્યારે બાંગ્લાદેશ ચોથા ક્રમે રહેલા પાકિસ્તાન (૮૧૧ કરોડ)થી માત્ર થોડુંક જ પાછળ છે. વિશ્વના ટોચના ત્રણ બી.સી.સી.આઈ સાથે ઓસ્ટ્રેલીયા અને ઈંગ્લેન્ડના બોર્ડ સામેલ છે. ટોચના ત્રણ દેશોમાં બી.સી.સી.આઈ બિગ બૉસ ગણાય છે. બી.સી.સી.આઈએ વર્ષ ૨૦૨૧માં ૩,૭૩૦ કરોડની આવક ભેગી કરીને દસ દેશોમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ૨૮૪૩ કરોડ સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર અને ૨૧૩૫ કરોડ સાથે ઈંગ્લેન્ડ ત્રીજા નંબર પર છે, પરંતુ જાે ભારતીય ક્રિકેટની હાલત ટી-૨૦ વર્લ્ડ કપ જેવી જ રહે અને ઇંગ્લેન્ડનો દબદબો સતત વધતો રહે તો ઈ.સી.બીની વાર્ષિક કમાણી બી.સી.સી.આઈની નજીક પહોંચી શકે છે.
