નવીદિલ્હી
દેશમાં સૌથી વધુ ઓમિક્રોનથી પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહીં વધુ ૭૫ લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ હતી, જેનાથી હાલ તંત્રની ચિંતા પણ વધી છે. બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનુ કહેવુ છે કે, આ વેરિઅન્ટથી ગભરાવવાની જરૂર નથી,પરંતુ સાવચેત રહેવાની જરૂર છે, હાલ આ વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિઓમાં અત્યાર સુધીમાં હળવા લક્ષણો જ જાેવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૧૮,૪૬૬ નવા કેસ સાથે કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૬૭,૩૦,૪૯૪ થઈ ગઈ છે જ્યારે વધુ ૨૦ દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને ૧,૪૧,૫૭૩ પર પહોંચી ગયો છે.સોમવારની સરખામણીમાં ચેપના નવા કેસોમાં ૫૨ ટકાનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ૭૫ નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસોમાં માત્ર રાજધાની મુંબઈમાંથી જ ૪૦ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં હાલ ઓમિક્રોનના જાેખમ વચ્ચે કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે.ઉલ્લેખનીય છે કે, વધતા સંક્રમણને પગલે રાજ્યોમાં નિયમો પણ કડક કરવામાં આવ્યા છે.રાજ્યમાં મુંબઈ અને થાણે શહેરમાં વધતા સંક્રમણને કારણે શાળાઓ પણ બંધ કરવામાં આવી છે.કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની સમગ્ર દેશમાં દહેશત જાેવા મળી રહી છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જાે કે, રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે સોમવાર સુધીમાં ઓમિક્રોનથી સંક્રમિત ૫૭૮ લોકોમાંથી માત્ર એક જ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત ૫૭૮ લોકોમાંથી ૪૩૬માં કોઈ લક્ષણો જાેવા મળ્યા ન હતા, જ્યારે ૧૩૩માં હળવા લક્ષણો હતા.