નવીદિલ્હી
ઇંગ્લેન્ડનો પ્રવાસ કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે અહીંના એજબસ્ટન ખાતેની બીજી ટી૨૦ ક્રિકેટ મેચ જીતી લીધી ત્યાર બાદ ટીમનો ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની ટીમના ખેલાડીઓને મળ્યો હતો. રોહિત શર્માની પ્રેરક આગેવાની અને આક્રમક વલણને કારણે ભારતે બીજી ટી૨૦માં ઇંગ્લેન્ડ સામે ૪૯ રનથી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. અગાઉ ભારતે પહેલી ટી૨૦માં ૫૦ રનથી વિજય હાંસલ કર્યો હતો. શનિવારની મેચ બાદ ધોની ભારતીય ખેલાડીઓને મળ્યો હતો. તેણે ઇશાન કિશન અને યુઝવેન્દ્રસિંહ ચહલ સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન તેણે વર્તમાન ભારતીય વિકેટકીપર રિશભ પંત સાથે પણ મુલાકાત કરી હતી. રિશભ પંતે આ અંગેનો એક ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. બીસીસીઆઈએ પણ આ પ્રકારની ટિ્વટ કરીને કોમેન્ટ કરી હતી કે જ્યારે મહાન ધોની બોલતો હોય ત્યારે તમામ લોકો હંમેશાં સાંભળવા તત્પર રહેતા હોય છે. શનિવારની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને આક્રમક અભિગમ અપનાવ્યો હતો. રોહિત શર્મા અને પંતે આક્રમક બેટિંગ કરી હતી. ભારતે ઉપરા ઉપરી વિકેટો ગુમાવી હોવા છતાં તેના રનરેટ પર અસર પડી ન હતી અને તેને કારણે જ ટીમ ૧૭૦ રનનો સ્કોર કરી શકી હતી જે અંતે તેને ૪૯ રનથી વિજય અપાવવામાં ઉપયોગી બન્યો હતો.


