Delhi

ઈન્ડીગોના કર્મચારીઓએ રજા પાડી એર ઈન્ડિયામાં ઈન્ટરવ્યુ માટે પહોંચ્યા

નવીદિલ્હી
ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોની ૫૫ ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સ શનિવારે મોડી પડતા મુસાફરોને ભટકવાનો વારો આવ્યો હતો. આવું એટલા માટે થયું કારણ કે મોટી સંખ્યામાં ઇન્ડિગો ફ્લાઇટ્‌સના ક્રૂ મેમ્બર્સે બીમારીના નામે રજા લીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બર્સે આ રીતે રજા લીધી હતી અને એર ઇન્ડિયાની ભરતી ડ્રાઇવમાં ભાગ લેવા માટે ગયા હતા. ઉલ્લેખનીય છે કે, એર ઇન્ડિયાએ હાલમાં જ વિવિધ પદો માટે ભરતી શરૂ કરી છે. જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએના વડા અરુણ કુમારે રવિવારે કહ્યું હતું કે, “અમે તેની તપાસ કરી રહ્યા છીએ.” ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ભરતી ડ્રાઇવનો બીજાે તબક્કો શનિવારે યોજાયો હતો અને માંદગીની રજા લેનારા મોટા ભાગના ઇન્ડિગો ક્રૂ મેમ્બર્સ તેના માટે ગયા હતા. ઈન્ડિગો હાલ દૈનિક ૧,૬૦૦ જેટલી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સનું સંચાલન કરે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વેબસાઈટ મુજબ, ઈન્ડિગોની ૪૫.૨ ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સ શનિવારે સમયસર ઓપરેટ થઈ હતી. તેની સરખામણીમાં એર ઇન્ડિયા, સ્પાઇસજેટ, વિસ્તારા, ગો ફર્સ્ટ અને એર એશિયા ઇન્ડિયામાં શનિવારે અનુક્રમે ૭૭.૧ ટકા, ૮૦.૪ ટકા, ૮૬.૩ ટકા, ૮૮ ટકા અને ૯૨.૩ ટકા ફ્લાઇટ્‌સ સમયસર હતી. ૪ એપ્રિલના રોજ ઈન્ડિગોએ કોવિડ -૧૯ મહામારી દરમિયાન કરવામાં આવેલા પગારમાં કાપના વિરોધમાં હડતાલ પર જવાનું પ્લાનિંગ બનાવી રહેલા કેટલાક પાઇલટ્‌સને સસ્પેન્ડ કરી દીધા હતા. ઈન્ડિગોના સીઈઓ રોનજાેય દત્તાએ ૮ એપ્રિલના રોજ કર્મચારીઓને એક ઇમેઇલમાં કહ્યું હતું કે પગાર વધારવો મુશ્કેલ મુદ્દો છે, પરંતુ એરલાઇન સતત તેની નફાકારકતા અને સ્પર્ધાત્મક વાતાવરણના આધારે પગારની સમીક્ષા અને સમાયોજન કરશે. આપને જણાવી દઇએ કે, ગત વર્ષે ૮ ઓક્ટોબરે એરલાઇન્સ માટે બિડ સફળતાપૂર્વક જીત્યા બાદ ટાટા ગ્રુપે ૨૭ જાન્યુઆરીએ એર ઇન્ડિયાનો કબજાે લીધો હતો. એર ઇન્ડિયા નવા વિમાન ખરીદવા અને તેની સેવાઓમાં સુધારો કરવા માંગે છે અને તાજેતરમાં તેણે ક્રૂ મેમ્બર્સ માટે ભરતી ડ્રાઇવ શરૂ કરી છે.

file-02-page-08-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *