નવીદિલ્હી
ભારતમાં તાજેતરમાં ઈલેક્ટ્રિક સ્કૂટરનો વ્યાપ વધ્યો છે. પરંતુ સાથે સાથે આગ લાગવાની ઘટનાઓએ પણ ચિંતાનું સ્તર વધાર્યું છે. જેમાં જીવ પણ ગયા છે. તેલંગણાના નિઝામાબાદમાં એક પ્યોર ઈવી ઈલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી ઘરમાં જ ફાટી જવાથી ૮૦ વર્ષની વ્યક્તિએ જીવ ગુમાવ્યો જ્યારે બે લોકો ઘાયલ થયા. અન્ય એક ઘટના આંધ્ર પ્રદેશના વિજયવાડામાં ઘટી જ્યાં ૪૦ વર્ષના વ્યક્તિનું બૂમ મોટર્સના એક ઈ સ્કૂટરમાં વિસ્ફોટ બાદ મોત થયું. સ્કૂટરની બેટરી ઘરમાં ચાર્જ થઈ રહી હતી તે દરમિયાન વિસ્ફોટ થયો હતો. ઘટનામાં કોટાકોન્ડાના શિવકુમારના પત્ની અને બે પુત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં દેશમાં ત્રણ પ્યોર ઈવી, એક ઓલા, ત્રણ ઓકિનાવા અને ૨૦ જિતેન્દ્ર ઈવી સ્કૂટરમાં આગના બનાવ બન્યા છે. જેના કારણે સુરક્ષા પર મોટા સવાલ ઊભા થયા. બીજી બાજુ ઓલા ઈલેક્ટ્રિકે આઈએએનએસને આપેલા એક નિવેદનમાં કહ્યું કે તેમણે વિશ્વસ્તરની એજન્સીઓને તેમની પોતાની તપાસ ઉપરાંત મૂળ કારણ પર આંતરિક તપાસ કરાવવા માટે કહ્યું છે. કંપનીના કહેવા પ્રમાણે આ તજજ્ઞોના પ્રાથમિક આકલન મુજબ એક અલગ થર્મલ ઘટનાની સંભાવના હતી. તેમણે એમ પણ કહ્યું કે કંપની સ્વેચ્છાએ ૧૪૪૧ વાહનો પાછા ખેંચી ચૂકી છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ઈલેક્ટ્રિક વાહનોના નિર્માતાઓને ચેતવતા કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે સરકાર જલદી ઈલેક્ટ્રિક વાહનો માટે ગુણવત્તા કેન્દ્રિત ગાઈડલાઈન બહાર પાડશે. ગડકરીએ ગત મહિને ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે જાે કોઈ કંપની તેમની પ્રક્રિયાઓમાં બેદરકારી વર્તતી દેખાશે તો ભારે દંડ ફટકારવામાં આવશે અને તમામ ખામીવાળા વાહનોને પાછા ખેંચવાનો આદેશ અપાશે. તાજેતરમાં એવા અનેક કિસ્સાઓ આપણને જાેવા મળ્યા જેમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ભડકે બળ્યા. આ ઘટનામાં મૃત્યુ થયા હોવાના દુઃખદ સમાચાર પણ સામે આવ્યા હતા. જેથી કરીને ઈલેક્ટ્રિક વાહનોની સુરક્ષા પર સવાલ ઉઠ્યા. આ મામલાને ગંભીરતાથી લઈને રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ પણ સ્વીકાર્યું કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉદ્યોગ હજુ હમણા જ શરૂ થયો અને સરકાર તેમાં કોઈ અડચણ ઈચ્છતી નથી. સુરક્ષા એ સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને માનવ જીવન સાથે કોઈ સમાધાન ન થઈ શકે. આ સમગ્ર મામલે સરકારે તપાસ માટે સમિતિ બનાવી અને સમિતિ ઈલેક્ટ્રિક વાહનોમાં આખરે આ રીતે આગ લાગવાનું કારણ શું છે તે વિશે તપાસ કરી રહી છે. તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. દેશમાં જે પણ ઈલેક્ટ્રિક દ્વિચકી વાહનોમાં આગની ઘટના ઘટી તે ઘટનાઓમાં બેટરી સેલ કે ડિઝાઈનમાં ખામી જાેવા મળી. અત્રે જણાવવાનું ઓકિનાવા ઓટોટેક, બૂમ મોટર, જિતેન્દ્ર ઈવી, પ્યોર ઈવી, ઓલા ઈલેક્ટ્રિક જેવા સ્કૂટરોમાં આગની ઘટના ઘટતા આ સમિતિ બનાવાઈ હતી. હવે આ જે પ્રાથમિક તારણ સામે આવ્યું છે તેના લીધે વાહન બનાવતી કંપનીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ તેલંગણામાં ઘાતક બેટરી વિસ્ફોટ સહિત મોટાભાગે તમામ ઈલેક્ટ્રિક વાહનોમાં આ રીતે આગ લાગવાની પાછળ તેની બેટરી અને બેટરી સાથે બેટરી ડિઝાઈનમાં ગડબડી કારણભૂત છે. સૂત્રોએ કહ્યું કે તજજ્ઞો હવે આ મુદ્દાના ઉકેલ માટે ઈલેક્ટ્રિક વાહનો કંપનીઓ સાથે વ્યક્તિગત રીતે મળીને કામ કરશે.
