નવીદિલ્હી
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ શનિવારે સાંજે જાહેર થયું અને એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડ વિજેતા જાહેર થયા હતા. જગદીપ ધનખડ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ હશે. જગદીપ ધનખડે વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને મોટા અંતરથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત આપી હતી. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ માર્ગરેટ અલ્વાએ હારનું ઠીકરૂ વિપક્ષી દળો પર ફોડ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક વિપક્ષી દળોએ એનડીએ ઉમેદવારનું સમર્થન કર્યું. પરંતુ તેમણે વિજેતા ઉમેદવાર ધનખડને શુભેચ્છા આપી હતી. હાર બાદ માર્ગરેટ અલ્વાએ કહ્યું કે ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. આપણા બંધારણની રક્ષા કરવા માટે, લોકતંત્રને મજબૂત બનાવવા અને સંસદની ગરિમા બહાલ કરવા માટે સંઘર્ષ જારી રહેશે. ત્યારબાદ તેમણે વિપક્ષના તમામ નેતાઓ અને આ ચૂંટણીમાં તેમને મત આપનાર સાંસદોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી વિપક્ષ માટે એક સાથે કામ કરવા, ભૂતકાળની વાતોને પાછળ છોડવા અને એકબીજા વચ્ચે વિશ્વાસ બનાવવાની તક છે. ભાજપનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન કરી, કેટલીક પાર્ટીઓ અને તેના નેતાઓએ પોતાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. માર્ગરેટ અલ્વાએ કહ્યું કે દુર્ભાગ્યથી કેટલીક વિપક્ષી પાર્ટીઓએ એક વિપક્ષના વિચારને પાટા પરથી ઉતારવાના પ્રયાસમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી ભાજપનું સમર્થન કરવાનું પસંદ કર્યું. હું માનુ છું કે આમ કરનાર આ પાર્ટીઓ અને તેના નેતાઓએ પોતાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે. નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ ૭૮૦ મતદાતાઓમાંથી માત્ર ૭૨૫એ મતદાન કર્યું હતું. કાઉન્ટિંગ દરમિયાન તેમાંથી ૧૫ મત રદ્દ કરવામાં આવ્યા હતા. પછી ૭૧૦ મતમાંથી ધનખડને ૫૨૮ મત અને માર્ગરેટ અલ્વાને માત્ર ૧૮૨ મત મળ્યા હતા.

