નવીદિલ્હી
દેશભરમાં વિરોધીઓએ અગ્નિપથ યોજના સામે પથ્થરમારો કર્યો અને ટ્રેનોને આગ લગાડી. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યુ અને રેલ અને માર્ગો અવરોધિત કર્યા. ઉગ્ર વિરોધ વચ્ચે ડઝનબંધ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી. તેલંગાનાના સિકંદરાબાદમાં હિંસક પ્રદર્શનકારીઓ પર પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનુ મોત થયુ છે.સશસ્ત્ર બળો માટે અલ્પકાલિક ભરતી યોજના અગ્નિપથ સ્કીમને લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન તેજ થઈ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને કહ્યુ કે અગ્નિપથ યોજના યોગ્ય ઈરાદે જ લાવવામાં આવી હતી પરંતુ અમુક લોકો ‘ખોટી ધારણા’ના કારણે આંદોલન કરી રહ્યા છે. મુરલીધરને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર હંમેશા યુવાનોની ચિંતાઓ પ્રત્યે ધ્યાન આપે છે અને તેમના મુદ્દાઓ પ્રત્યે સંવેદનશીલ છે. અગ્નિપથ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ૪ વર્ષ માટે સેનામાં યુવાનોની ભરતી કરશે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને કહ્યુ, ‘સરકારે અગ્નિપથ યોજના સાચા ઈરાદા સાથે લાવી છે. કદાચ કેટલાક લોકો ગેરસમજને કારણે આંદોલન કરી રહ્યા છે. સરકાર નાગરિકોના પ્રશ્નો માટે જવાબદાર છે. તેથી વય વધારીને ૨૩ વર્ષ કરવામાં આવી છે.’ તેમણે કહ્યુ, ‘તેઓએ ધ્યાનમાં લેવુ જાેઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હંમેશા યુવાનોની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ રહી છે અને તેને દૂર કરવા માટે શક્ય તેટલુ બધુ કરશે.’
