નવીદિલ્હી
કુશીનગરના સાંસદ રહી ચૂકેલા આરપીએન સિંહ પડરૌના રાજઘરાનાથી સંબંધ ધરાવે છે. તેઓ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં સ્વામી પ્રસાદ મૌર્યને પણ ચૂંટણીમાં હરાવી ચૂકયા છે. ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની સ્થિતિમાં તેઓ કોંગ્રેસ અને યુપીમાં ચૂંટણી અભિયાન કરી રહેલા પ્રિયંકા ગાંધી માટે એક મોટો ઝાટકો હશે.કોંગ્રેસ પાર્ટીને ઉત્તર પ્રદેશથી જાેરદાર ઝાટકો લાગ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ બાદ હવે રાહુલ ગાંધીની કોર ટીમનો હિસ્સો રહી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી રતનજીત નારાયણ ઉર્ફે આરપીએન સિંહે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ આજે જ ભાજપમાં સામેલ થઇ શકે છે. તેમણે તેમનો ટ્વીટર પર બાયો પણ બદલી દીધો છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું સોંપતા આરપીએન સિંહે લખ્યું કે આજે જ્યારે આખું રાષ્ટ્ર ગણતંત્ર દિવસનો ઉત્સવ મનાવી રહ્યું છે, હું મારા રાજકીય જીવનમાં નવો અધ્યાય આરંભી રહ્યો છું. જય હિંદ. તેમણે દેશ, પ્રજા, પાર્ટીનો સેવાની તક આપવા માટે આભાર માનતા કોંગ્રેસની પ્રાથમિક સભ્યતાથી રાજીનામું આપી દીધું. સૂત્રોના મતે આરપીએન સિંહની સાથે જ પડરૌનાથી જાહેર ઉમેદવાર મનીષ જયસવાલ, કુશીનગર કોંગ્રેસના પૂર્વ જિલ્લાધ્યક્ષ રાજકુમાર સિંહ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થશે. મળતી માહિતી પ્રમાણે જિલ્લાની ત્રણ વિધાનસભા સીટો પર ભાજપની તરફથી આ તમામ ઉમેદવાર બનશે. આરપીએન સિંહ આ વખતે ખુદ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે નહીં અને ભવિષ્યમાં ભાજપની તરફથી મોટું પદ મળી શકે છે.


