નવીદિલ્હી
ગ્રેટર નોઇડા એક્સપ્રેસ-વે પર સેક્ટર-૯૬ પાસે એક્સપ્રેસ વે પર મસમોટું ગાબડું પડ્યું છે. અંદાજે ૧૨થી ૧૫ ફૂટ જેટલો રોડ જમીનમાં ધસી ગયો છે અને બે ફૂટ જેટલો પહોળો ખાડો પડ્યો છે. તેટલું જ નહીં, નોઇડાથી ગ્રેટર નોઇડા તરફ જતા એક્સપ્રેસ-વેનો ઘણોખરો હિસ્સો બેસી ગયો છે. અહીં કિલોમીટરો સુધી ટ્રાફિક જામ થઈ ગયો છે. જાે કે, મોડી સાંજે બેરિકેડ્સ મૂકી એક્સપ્રેસ સેન્ટ્રલ વર્જની તરફની બે લાઇન બંધ કરી ટ્રાફિક છૂટો કરવામાં આવ્યો હતો. સેક્ટર-૯૬ પાસે અંડરપાસનું કામ ચાલે છે. તેને પુશબેક ટેક્નિકથી બનાવવામાં આવી રહ્યો છે, તેમાં વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાની જરૂર પડતી નથી. પરંતુ અહીં આખેઆખી જમીન જ બેસી ગઈ છે અને એક્સપ્રેસ વેના રસ્તામાં તિરાડો પડી ગઈ છે. તિરાડ પડવાને કારણે એક્સપ્રેસ વે પર અંદાજે ૨ કિલોમીટર જેટલો ચક્કાજામ થયો છે. એક્સપ્રેસ-વે ઉપર નોઇડા ઓથોરિટી તરફથી કોન્ટ્રાક્ટર ઘણા સમયથી રિસરફેસિંગનું કામ કરી રહ્યા છે. જેને કારણે રોજબરોજ લોકોને ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડે છે. એક્સપ્રેસ-વેનો રસ્તો બેસી જવાને કારણે ઘણો લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. નોકરિયાત લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અને ટ્રાફિક જામની સમસ્યાથી ઝઝૂમવું પડી રહ્યુ છે. પીક અવર હોવાથી સાંજે મહામાયા ફ્લાઇઓવરથી લઈને અંડરપાસ સુધી લોકોને ભારે ટ્રાફિકજામનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. તે છતાં લોકોના હાલ બેહાલ છે. ઉલ્લેખનીય છે કે, એક્સપ્રેસ-વેની રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું છે. જ્યાં ભૂવો પડ્યો છે તે જગ્યાએ સરફેસિંગ થઈ ગયું હતું, માત્ર માર્કિંગનું કામ બાકી હતું. નોઇડા ઓથોરિટીના અધિકારીઓએ આ મામલે મૌન સાધી લીધું છે. કોઈપણ અધિકારી આ મામલે કંઇપણ કહેવા તૈયાર નથી. રસ્તે અવરજવર કરતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પોતાની કામગીરી પર સવાલો ના ઊભા થાય તે માટે અધિકારીઓએ એક્સપ્રેસ-વે પર ભૂવો પૂરવાની કામગીરી શરૂ કરી નાંખી છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે જે જગ્યાએથી રોડ તૂટ્યો છે ત્યાં ખાઈ જેવું દેખાઈ રહ્યું છે.


