નવીદિલ્હી
શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે જૂન મહિનો કંઇ ખાસ રહ્યો નથી. સતત શેરબજારમાં આવી રહેલા ઘટાડાના કારણે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઇ ચૂક્યું છે. આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં લગભગ ૨૩૦૦ પોઇન્ટ એટલે કે ૪.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આના પરિણામે રોકાણકારોને ૧૩ લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. ૩૦ જૂને બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ઘટીને ૨૪૩.૬૫ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જે એક મહિના પહેલાની તુલનામાં ૧૩ લાખ રૂપિયા ઓછી છે. જૂનમાં સેન્સેક્સ ઘટીને ૫૦,૯૨૧.૨૨ પોઇન્ટ પર આવી ગયો હતો. જે તેની ૫૨ સપ્તાહની નીચી સપાટી છે. જૂન ક્વાર્ટરમાં શેર બજારમાં લગભગ ૯.૫ ટકાનો ઘટાડો થયો છે. જે ૨૦૨૦ના માર્ચ ક્વાર્ટર પછીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. નિફ્ટી મેટલ આ ક્વાર્ટરમાં સૌથી વધુ ૨૭.૪ ટકા ઘટ્યો છે. જાે કે આ દરમિયાન નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં લગભગ ૧૧ ટકાનો વધારો થયો છે. ઝોમેટોએ સતત ચોથા દિવસે ઘટાડો નોંધાવ્યો હતો. આ મહિને સેન્સેક્સના ૩૦માંથી માત્ર ૧૧ શેરમાં વધારો થયો છે. જેમાં એક્સિસ બેન્ક, એસબીઆઇ અને કોટક મહિન્દ્રા બેન્કનો સમાવેશ થાય છે. આ દરમિયાન ટેક મહિન્દ્રા, બજાજ, બંને શેરો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલ લગભગ બે ટકા તૂટ્યા હતા. સેક્ટરલ ઇન્ડાઇસિસની વાત કરીએ તો જૂનમાં માત્ર બીએસઇ ઓટો ઇન્ડેક્સમાં જ વધારો જાેવા મળ્યો હતો. આ મહિને ઇન્ડેક્સમાં લગભગ બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટીવીએસ મોટર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અશોક લેલેન્ડ અને મારુતિ સુઝુકી ટોપ ગેઇનર્સ રહ્યા હતા. તો બીજી તરફ બીએસઇ મેટલમાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વેદાન્તા, નાલ્કો, હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ અને હિન્દુસ્તાન ઝિંક સૌથી વધુ નુકસાનમાં રહ્યા હતા. નિફ્ટીના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સુઝુકી લગભગ ૭ ટકા વધીને ટોપ ગેઇનર્સ રહ્યા હતા. આ ઉપરાંત જેએસડબ્લ્યૂ સ્ટીલ અને આઇટીસીએ પણ જાેર પકડ્યું હતું. જ્યારે હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક અને શ્રી સિમેન્ટ્સમાં ૧૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો.


