નવીદિલ્હી
દિલ્લી સરકારે બજારોમાં ફરીથી રોનક લાવવા માટેની કવાયત તેજ કરી દીધી છે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ૨૫ મુખ્ય બજારોના વેપારીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન વેપારીઓને કારોબાર વધારવા માટેના સૂચનો માંગ્યા અને શૉપિંગ ફેસ્ટીવલની તૈયારી પર પણ ચર્ચા કરવામાં આવી. હોલસેલ બજારો માટે બજેટ ૨૦૨૨-૨૩માં ૨૫૦ કરોડ રૂપિયાની દિલ્લી સરકારે જાેગવાઈ કરી હતી. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે બેઠકમાં ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીના પદાધિકારી પણ હાજર રહ્યા. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે જણાવ્યુ હતુ કે ૧૦૦ વર્ષથી વધુ જૂના બજારો દિલ્હીની ધરોહર અને ગૌરવ છે. સરકાર પણ વારસાને સાચવવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યુ કે બહારના રાજ્યોમાંથી નાના વેપારીઓ અને છૂટક ખરીદદારો માલ ખરીદવા માટે દિલ્હી આવે છે. હૉલસેલનું મોટુ હબ હોવાને કારણે દિલ્હીના બજારોમાં પોસાય તેવા ભાવે માલ ઉપલબ્ધ છે. ઑટોમોબાઈલ, ડ્રાય ફ્રુટ્સ, મસાલા, ફૂટવેર, વાસણો, ક્રોકરી, કપડા, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ફર્નિચર, હાર્ડવેર સેનિટરી જેવી વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે. દિલ્હી બિઝનેસ ક્ષેત્રે મોટુ નામ છે. હવે દિલ્હી સરકાર તેને વિશ્વના જથ્થાબંધ બજારોમાં સામેલ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને ટૂંક સમયમાં એક શૉપિંગ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વેપારીઓ અને માર્કેટ એસોસિએશનને રોડમેપ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં આવા ઉત્સવોનુ આયોજન કેવી રીતે અને ક્યાં કરવું જાેઈએ તે અંગે સૂચનો આપવામાં આવ્યા છે. મીટિંગ દરમિયાન માર્કેટ એસોસિએશનો અને વેપારીઓએ વિનંતી કરી હતી કે દર વર્ષે પ્રગતિ મેદાનમાં યોજાતા વેપાર મેળામાં દિલ્હીના લોકોને તેમના વ્યવસાયનુ પ્રદર્શન કરવા માટે જગ્યા આપવામાં આવે. કેટલાક વેપારીઓએ સૂચવ્યુ કે દિલ્હી સરકાર અન્ય રાજ્યોના મોટા શહેરોમાં શૉપિંગ ફેસ્ટિવલ અને રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાનિક તહેવારો ચાંદની ચોક, લાજપત નગર, કનોટ પ્લેસ અને સરોજિની નગર માર્કેટ જેવા લોકપ્રિય બજારોમાં આયોજિત કરે.


