નવીદિલ્હી
રાજધાની દિલ્હીના કસ્તુરબા નગરમાં એક યુવતી સાથે અપમાનજનક વર્તનની ઘટના સામે આવી છે. જેમા એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક ૨૦ વર્ષની છોકરીનું કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી ભીડ વચ્ચે તેની છેડતી કરવામાં આવી હતી. આરોપ છે કે આ મહિલા સાથે કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. તેનું અપહરણ કર્યા બાદ તેના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. આટલું જ નહીં, તેનો ચહેરો કાળો કરી દેવામાં આવ્યો હતો, તેને ચપ્પલનો હાર પહેરાવીને શેરીઓમાં ફેરવવામાં આવી. મહિલાની નાની બહેને પોલીસને ફોન કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાને બચાવી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદ પર ગેંગરેપ અને અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને મહિલા સાથે દુષ્કર્મના આરોપમાં માત્ર ચાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક વધુ આરોપીઓની શોધ ચાલી રહી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ આ મામલે ગુસ્સે ભરાયા છે. તે પીડિતાને મળવા પહોંચ્યા અને તેની સાથે વાત કરી અને આ કેસમાં આરોપીની ધરપકડની માગ કરી. માલીવાલે એક ટિ્વટમાં કહ્યું કે કસ્તુરબા નગરમાં ગેરકાયદેસર દારૂ વેચનારાઓએ ૨૦ વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કાર કર્યો, તેના વાળ કાપી નાખ્યા, ચપ્પલનો હાર પહેરાવ્યો ને સમગ્ર વિસ્તારમાં તેનો ચહેરો કાળો કરી ફેરવવામાં આવી. હું દિલ્હી પોલીસને નોટિસ જારી કરું છું. તમામ ગુનેગાર પુરુષો અને સ્ત્રીઓની ધરપકડ કરવી જાેઈએ અને છોકરી અને તેના પરિવારને સુરક્ષા આપવી જાેઈએ. પોલીસના જણાવ્યા અનુસાર, જૂની અદાવતના કારણે મહિલા સાથે આ વર્તન કરવામાં આવ્યું હતું. પીડિત મહિલા પરિણીત છે. તેને એક બાળક પણ છે. પીડિતાની બહેનના કહેવા પ્રમાણે, પાડોશમાં રહેતો એક છોકરો મહિલાની પાછળ પડ્યો હતો. બાદમાં તે છોકરાએ ૧૨ નવેમ્બરે આત્મહત્યા કરી લીધી, જેના કારણે છોકરાના પરિવારજનોને લાગ્યું કે તેનું કારણ આ મહિલા છે. છોકરાની આત્મહત્યા બાદ મહિલા ભાડાના મકાનમાં રહેતી હતી. હાલ પોલીસ આ તમામ એંગલથી મામલાની તપાસ કરી રહી છે.
