નવીદિલ્હી
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દેશની નવી દિલ્હી ખાતે આગામી ૫ અને ૬ ડિસેમ્બરના રોજ યોજાશે. આ બેઠકનો આરંભ પાંચમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીના દ્વિતીય ચરણના મતદાનના દિવસે બપોરે ૨-૩૦ કલાકે થશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં વિવિધ સંગઠનાત્મક કાર્યોની સમીક્ષા કરાશે.બેઠકમાં મંડળ, બૂથ સમિતિઓથી લઈને વિવિધ સંગઠનાત્મક ગતિવિધિઓની સમીક્ષા કરાશે. આ સાથે જ લોકો સુધી પહોંચવા સુનિશ્ચિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિમર્શ કરાશે. વૈશ્વિક મંદીની વચ્ચે ભારતની આર્થિક વૃદ્ધિ અને દેશને જી-૨૦ની અધ્યક્ષતા સંભાળી લીધા સહિતના મુદ્દા કેન્દ્રમાં હોઈ શકે છે. ઉપરાંત આ બેઠકમાં લોકસભા ચૂંટણી સંલગ્ન સંગઠનાત્મક ગતિવિધિઓ અને ત્રિપુરા, કર્ણાટક, મેઘાયલ સહિત કેટલાક રાજ્યોમાં આગામી વર્ષે યોજાનાર ચૂંટણીઓની તૈયારીને લઈને ચર્ચા કરાશે. બેઠકમાં પાર્ટીના તમામ રાષ્ટ્રીય પદાધિકારઓ ઉપરાંત રાજ્યોના પ્રભારીઓ અને સહપ્રભારીઓ, વિવિધ મોરચોના પ્રભારી, પ્રદેશ અધ્યક્ષો, પ્રદેશ સંગઠનના મહામંત્રી પણ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠકના સમાપન સત્રને વીડિયો કોન્ફેન્સથી સંબોધિત કરી શકે છે.


