નવીદિલ્હી
દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે જે ચિંતાની વાત છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે. ૧૮ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે ૩૯ દર્દીઓના કોરોનાથી મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૮,૮૧૯ દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૩૯ દર્દીઓના કોરોનાથી એક દિવસમાં મોત થયા છે. જે પાંચ રાજ્યોમાંથી સૌથી વધુ કેસ સામે આવ્યા છે જેમાં કેરળ (૪૪૫૯ કેસ) પહેલા નંબરે છે જ્યારે ત્યારબાદ મહારાષ્ટ્ર (૩૯૫૭), કર્ણાટક (૧૯૪૫), તમિલનાડુ (૧૮૨૭) અને પશ્ચિમ બંગાળ (૧૪૨૪)નો નંબર આવે છે. કુલ નવા કેસમાં આ પાંચ રાજ્યોની ભાગીદારી ૭૨.૩૪ ટકા છે. નવા કેસમાંથી ૨૩.૬૯ ટકા કેસ તો ફક્ત કેરળમાં નોંધાયા છે. કોવિડના કારણે અત્યાર સુધીમાં ૫૨૫૧૧૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૯ લોકોના કોરાનાથી મોત થયા છે. ભારતમાં હાલ કોરોનાથી રિકવરી રેટ ૯૮.૫૫ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૩૮૨૭ લોકો સાજા થયા છે. દેશમાં હાલ કોરોનાના ૧.૦૪ લાખ એક્ટિવ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસમાં ૪૯૫૩ કેસનો વધારો થયો છે. કોરોનાને માત આપવા માટે રસીકરણ પણ પૂરજાેશમાં ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના રસીના કુલ ૧૪૧૭૨૧૭ ડોઝ અપાયા છે. જ્યારે એક દિવસમાં ૪૫૨૪૩૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના ૫૨૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૪૦૮ દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે કોઈ પણ દર્દીનું છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી પુર્ણેશ મોદી પણ કોરોના પોઝિટિવ થયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં ૨૨૬, સુરતમાં ૯૯, રાજકોટમાં ૧૩ અને વડોદરામાં ૫૯ કેસ નોંધાયા છે.