ન્યુદિલ્હી
પાકિસ્તાનના સિંધ વિસ્તારના થરપારકરમાં પણ કોલસાની ખાણો આવેલી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ખાણો પાકિસ્તાને ચીની કંપનીઓને સોંપી દીધી છે. જેમાં થરપારકરમાં આવેલી ખાણમાં ૩ અબજ ટનના અંદાજિત જથ્થા સાથે કોલસાનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. શાંઘાઈ ઇલેક્ટ્રિક (ચીની કંપની)એ થરપારકર જિલ્લામાં તેના ૭.૮-મિલિયન ટન વાર્ષિક ઓપન-પીટ કોલ માઇનિંગ પ્રોજેક્ટમાં આ શોધની જાણ કરી હતી. પાકિસ્તાની સમાચાર માધ્યમોના અહેવાલો પ્રમાણે ૧૪૫-મીટર ઊંડાઇએ અંદાજિત ૩ અબજ ટન કોલસાનો ભંડાર છે. સિનો-સિંધ રિસોર્સિસ લિ. કોલ માઈન પ્રોજેક્ટ થાર કોલ બ્લોક-૧ ઈન્ટીગ્રેટેડ કોલ માઈનિંગ એન્ડ પાવર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે કચ્છની ઉત્તર દિશામાં ખડીરની સામે સરહદથી અંદાજે માત્ર ૪૦ કિમીના દૂર છે. આ ખાણ શાંઘાઈ ઈલેક્ટ્રીક દ્વારા ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (ઝ્રઁઈઝ્ર) હેઠળ પ્રાયોજિત છે. જેમાં ૩ બિલિયન ડોલરથી વધુના સંકલિત પ્રોજેક્ટમાં ૧,૩૨૦ મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ પણ સામેલ છે, જે પણ પૂર્ણતાને આરે છે. વીજળીના મુખ્ય સ્ત્રોત તરીકે પાકિસ્તાનમાં આ પ્રોજેક્ટની સૌથી વધુ રાહ જાેવાઈ રહી છે. શાંઘાઈ ઈલેક્ટ્રીકના પાકિસ્તાન ઓપરેશન્સની મીડિયા વિંગના એક અધિકારીએ જણાવ્યું કે કોલસાના પ્રથમ સ્તરને બહાર કાઢવાની ઉજવણી માટે એક સમારોહ યોજાયો હતો, જેમાં કંપનીના ચીની અને પાકિસ્તાની સ્ટાફ સભ્યોએ હાજરી આપી હતી. પ્રથમ સ્તરમાં ઓછી ઊંડાઈ સૂચવે છે કે આ સ્થળે કોલસાનો વિશાળ ભંડાર છે. આ સફળતાનો અર્થ એ છે કે કંપની નજીકના ભવિષ્યમાં વ્યાપારી કામગીરી શરૂ કરવા માટે તૈયાર છે. પાકિસ્તાનના સિંધથી લઇને રાજધાની ઇસ્લામાબાદના મીડિયાએ પણ આ ખૂબ મોટી સિદ્ધી લેખાવી હતી.તો સિંધના મુખ્ય પ્રધાન સૈયદ મુરાદ અલી શાહે આ ખોજ પર આનંદ વ્યક્ત કરતા કહ્યું કે થાર પાકિસ્તાનનું નસીબ બદલી નાખશે અને તે સૂત્ર હવે વાસ્તવિકતા બની રહ્યું છે. ચીન એક બાજુ શ્રીલંકા, માલદીવ્સ અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર રોકાણ કરીને ભારતને આર્થિક અને સામરીક રીતે ઘેરવાની કોશિશ કરે છે. કચ્છની સરહદ પાસે પણ ચીની કંપનીઓ કોલસા, ખનીજ અને સૌર-પવન ઉર્જા સહિતના પ્રોજેક્ટમાં પણ સામેલ છે. સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનને ચીન દ્વારા માળખાગત સુવિધા ઊભી કરવામાં પણ મદદ કરાઇ રહી છે. જે ભારત માટે એક પડકાર છે. જાેકે ભારતીય એજન્સીઓ આ તમામ ગતિવિધીઓ પર નજર રાખી રહી છે. નજીકના વર્ષોમાં પાકિસ્તાનના બલુચિસ્તાનથી લઇને સિંધમાં કચ્છ અને રાજસ્થાન બોર્ડર સુધીના વિસ્તારોમાં અબજાેનું રોકારણ આવ્યું છે. ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના લીધે માળખાગત સુવિધાઓ તથા ઔદ્યોગિક એકમો આવી રહ્યા છે. પરંતુ સિંધ અને બલુચિસ્તાનના સ્થાનિક લોકોને વધારે ફાયદો થયો નથી. જેના પગલે ત્યાં હવે ચીની કંપનીઓ સામે વિરોધ પણ ઊભો થઇ રહ્યો છે. ખાસ કરીને કચ્છ પાસે આવેલા સિંધના ગામોમાં વ્યાપક ગરીબી છે. અહીં હિંદુ લોકો વધારે વસતી છે. જેના લીધે ઓરમાનભર્યું વર્તન કરાતુ રહ્યું છે.


