Delhi

ભારતીય વિમેન્સ ટીમ બાર્બાડોઝને હરાવીને સમિફાઈનલમાં પહોંચી

નવીદિલ્હી
કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી૨૦ ક્રિકેટમાં પોતાની ત્રીજી ગ્રુપ મેચમાં ભારતીય વિમેન્સ ટીમે બાર્બાડોઝને ૧૦૦ રનના તફાવતથી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે પહેલા બેટિંગ અને બાદમાં બોલિંગમાં દબદબાભર્યો દેખાવ કર્યો હતો અને પ્રમાણમાં નબળી ગણાતી બાર્બાડોઝની ટીમ સામે ભવ્ય જીત મેળવી હતી. જેમિમાહ રોડ્રિગ્ઝના અણન ૫૬ રન તેમજ રેણુકાની ચાર વિકેટના સહારે ભારતે મેચમાં મજબૂત પકડ મેળવી હતી. ભારતીય મહિલા ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળતાં ભારતે ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૬૨ રન ખડક્યા હતા. જવાબમાં બાર્બાડોઝની વિમેન્સ ટીમ નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે ૬૨ રનમાં જ સમેટાઈ ગઈ હતી. જેમિમાહએ ૨૧ ઈનિંગ બાદ અડધી સદી ફટકારી હતી. તેણે ૪૬ બોલમાં અણનમ ૫૬ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થયો હતો. અગાઉ ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના પાંચ રને લેગ બિફોર આઉટ થઈ હતી. અન્ય ઓપનર શેફાલીએ ૪૩ રન સાથે બીજી વિકેટ માટે જેમિમાહ સાથે ૭૧ રનની ભાગીદારી નોંધાવી હતી. કેપ્ટન કૌર ગોલ્ડન ડક સાથે પેવેલિયન પરત ફરી હતી. એક તબક્કે ભારતે ૯૨ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. જેમિમાહે એક છેડો સાચવ્યો હતો અને દીપ્તિ શર્માએ ૨૮ બોલમાં ૩૪ રનની ઈનિંગ રમતા પાંચમી વિકેટ માટે ૭૦ રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. બાર્બાડોઝે રન ચેઝ કરવા જતા કંગાળ શરૂઆત કરી હતી અને ઓપનર ડિયાન્ડ્રા (૦), હેઈલી (૯) અને કીસિયા (૩) ઝડપથી આઉટ થઈ ગયા હતા. કીશોના (૧૬) અને નવમાં ક્રમની બેટર શકીરા (૧૨*) બે આંકડામાં રન નોંધાવી શક્યા હતા. રેણુકાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. મેઘના, સ્નેહ, રાધા અને કૌરે એક-એક વિકેટ મેળવી હતી. અગાઉ બાર્બાડોઝની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૬૨ રનમાં ઓલ આઉટ થતાં નવ વિકેટે પરાજય થયો હતો. ભારતે આ જીત સાથે ગ્રુપ એમાં ત્રણ મેચમાં બેમાં વિજય સાથે ચાર પોઈન્ટ મેળવ્યા છે. શનિવારે વિમેન્સ ટીમનો સેમિફાઈનલ મુકાબલો રમાશે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *