નવીદિલ્હી
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી ગયા છે. સવારે ૧૦ વાગ્યાથી કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલયમાં મતની ગણતરી ચાલુ છે. મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરુર વચ્ચે થયેલા કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ૧૭ ઓક્ટોબરે મતદાન થયું હતું. ૯૯૧૫માંથી ૯૫૦૦થી વધારે ડેલિગેટ્સે વોટ કર્યા હતા. ૨૪ વર્ષ બાદ પહેલી વાર એવું થયું છે, જ્યારે કોઈ અધ્યક્ષ ગાંધી પરિવારથી બહાર ચૂંટાઈ આવ્યા છે. આ અગાઉ સીતારામ કેસરી બિન ગાંધી પરિવારમાંથી અધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસ પોતાના ૧૩૭ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર અધ્યક્ષ પદ માટે ૬ઠ્ઠી વાર ચૂંટણી કરી હતી. મલ્લિકાર્જૂન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા છે, અહીં ખડગેને કુલ ૭૮૯૭ વોટ મળ્યા હતા, જ્યારે શશિ થરુરને ૧૦૭૨ વોટ મળ્યા હતા, જ્યારે ૪૧૬ વોટ રદ થયા હતા. કુલ ૯૩૮૫ નેતાઓએ ૧૭ ઓક્ટોબરના રોજ વોટ નાખ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના ૧૩૭ વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વાર અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશેના જણાવ્યા અનુસાર અધ્યક્ષ પદ માટે અત્યાર સુધીમાં ૧૯૩૯,૧૯૫૦,૧૯૭૭ અને ૨૦૦૦માં ચૂંટણી થઈ છે. આ વખતે પુરા ૨૨ વર્ષ બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ છે. આ તમામની વચ્ચે મતગણતરી દરમિયાન શશિ થરુરની ટીમે પાર્ટીના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને ઉત્તર પ્રદેશ ચૂંટણી દરમિયાન અત્યંત ગંભીર અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને માગ કરી છે કે રાજ્યમાં નાખવામાં આવેલા તમામ મતોને અમાન્ય ગણવામા આવે. થરુરની પ્રચાર ટીમે પંજાબ અને તેલંગણામાં પણ ચૂંટણી સંચાલનમાં ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો.


