નવીદિલ્હી
આપના નેતા સત્યેન્દ્ર જૈનને માનસિક અસ્થિર જાહેર કરીને તેનું ધારાસભ્યપદ રદ્ કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. સુપ્રીમે એ અરજી ફગાવીને અરજદારને કોર્ટનો સમય બગાડવા બદલ ૨૦ હજાર રૃપિયાનો દંડ કર્યો હતો. અરજદાર વતી સુપ્રીમ કોર્ટમાં દલીલ થઈ હતી કે ઈડીની તપાસ દરમિયાન આપના નેતા સત્યેન્દ્ર જૈને યાદશક્તિ ગુમાવી દીધી હોવાનું કહ્યું હતું. બંધારણ પ્રમાણે માનસિક અસ્થિર વ્યક્તિ બંધારણીયપદ માટે અયોગ્ય ઠરે છે. તેથી સત્યેન્દ્ર જૈનને માનસિક અસ્થિર જાહેર કરીને તેનું ધારાસભ્યપદ રદ્ કરવું જાેઈએ. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવવાની સાથે સાથે અરજદારને ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અરજી ભૂલભરેલી અને તુચ્છ છે. આના માટે અરજદારને ૨૦ હજાર રૃપિયાનો દંડ થવો જાેઈએ. કારણ કે અરજી કોર્ટનો સમય બરબાદ કરનારી છે. કોર્ટે કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈને ઈડીને કહ્યું હતું કે કોરોનાના કારણે તેમને કેટલીક બાબતો યાદ નથી. કોરોના પછી ઘણાં લોકોને એવું થયું હતું, એનો અર્થ એવો નથી કે તેમણે સમગ્ર યાદશક્તિ ગુમાવી દીધી છે કે તેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. આ બંને બાબતોમાં ફરક છે. આ સ્થિતિમાં આવી અરજી પર સુનાવણી થઈ શકે તેમ નથી.


