નવીદિલ્હી
અહિંસાને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવીને અંગ્રેજાેને દેશની બહારનો રસ્તો દેખાડનાર મહાત્મા ગાંધી પોતે પણ હિંસાનો શિકાર બન્યા હતા. તે દિવસે પણ તે રાબેતા મુજબ સાંજની પ્રાર્થના માટે જતા હતા. તે જ સમયે નથુરામ ગોડસેએ તેમને ખૂબ જ નજીકથી ગોળી મારી હતી અને સાબરમતીના સંત ‘હે રામ’ કહીને દુનિયા છોડી ગયા હતા. જીવનકાળ દરમિયાન તેમના વિચારો અને સિદ્ધાંતો માટે પ્રખ્યાત મોહનદાસ કરમચંદ ગાંધીનું નામ સમગ્ર વિશ્વમાં આદરથી લેવામાં આવે છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૭૪મી પુણ્યતિથિ છે. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ની સાંજે નાથુરામ ગોડસેએ બાપુની ગોળી મારીને હત્યા કરી હતી. બાપુને તેમની પુણ્યતિથિ પર દરેક લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પણ મહાત્મા ગાંધીને યાદ કર્યા છે અને કહ્યું છે કે બાપુ હજુ જીવિત છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું કે, આપણા પ્રિય બાપુએ આપણને શીખવ્યું છે તેમ કોંગ્રેસીઓ અને તેના કાર્યકરો હંમેશા દેશ માટે ઉભા રહ્યા છે અને કોઈપણ બાબત કરતાં દેશને પ્રાથમિકતા આપી છે. અમે રાષ્ટ્રપિતાની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. વધુમાં કહ્યું કે આ દિવસને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, અમે દેશ માટે બલિદાન આપનારા તમામ બહાદુર પુરુષો અને મહિલાઓને સલામ કરીએ છીએ. રાહુલ ગાંધીએ રવિવારે સવારે ટ્વીટ કરીને કહ્યું, ‘એક હિન્દુત્વવાદીએ ગાંધીજીને ગોળી મારી દીધી. તમામ હિંદુત્વવાદીઓને લાગે છે કે ગાંધીજી રહ્યા નથી. જ્યાં સત્ય છે ત્યાં બાપુ જીવિત છે. રાહુલ ગાંધીએ એક સાથે એક ફોટો પણ ટ્વીટ કર્યો છે, જેમાં ગાંધીજીના ચશ્મા છે અને ‘રઘુપતિ રાઘવ રાજા રામ!’ લખેલું છે. તમને જણાવી દઈએ કે, મહાત્મા ગાંધી કે જેને અંગ્રેજાે સામે લડવા માટે અહિંસક પદ્ધતિઓ અપનાવી હતી. વિશ્વભરમાં અનેક રાષ્ટ્રવાદી અને નાગરિક અધિકાર ચળવળોને પ્રેરણા આપી અને રાષ્ટ્રીય એકતા માટે કામ કર્યું. ૩૦ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે નવી દિલ્હીના રાજઘાટ પર એકઠા થાય છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન બલિદાન આપનારાઓની યાદમાં સવારે ૧૧ વાગ્યે દેશભરમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે.


