ગોવા
ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યાં તેણે ૪૦ માંથી ૨૦ સીટો જીતી છે. તે બહુમતીથી માત્ર એક સીટ દૂર રહી હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પણ પાર્ટીએ હજુ સુધી સરકાર બનાવી નથી, જેના પર હવે કોંગ્રેસે સવાલો ઉભા કર્યા છે.ગોવાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગંબર કામતે કહ્યું કે એવું લાગે છે કે મુખ્યમંત્રીના નામ પર સર્વસંમતિના અભાવે અથવા અન્ય અપક્ષો અને ભાજપના ધારાસભ્યોનું સમર્થન ન હોવાને કારણે ભાજપમાં આંતરકલહ છે, જેના કારણે સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે. કામતે કહ્યું કે આદેશ સ્પષ્ટપણે શાસક સરકારની વિરુદ્ધ હતો, જે ભાજપ માટે ૩૩.૩૧ ટકા વોટ શેરમાં પણ પ્રતિબિંબિત થાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ૬૬.૬૯ ટકા મતદારો ભાજપને ઇચ્છતા ન હતા. પરિણામો જાહેર થયાના એક અઠવાડિયા પછી પણ, ભાજપ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે. ભાજપની નેતાગીરી માત્ર સમય બગાડે છે અને વારંવાર બહાના કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું, ‘ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસનો સંપર્ક કર્યો છે, અમને સરકારની રચનામાં આગેવાની લેવા વિનંતી કરી છે. અમે તમામ બિન-ભાજપ ધારાસભ્યોને તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા અને ગોવાના લોકોને સંપૂર્ણપણે બિન-ભાજપ સરકાર મળે તે સુનિશ્ચિત કરવા પગલાં લેવા અપીલ કરીએ છીએ. બીજી તરફ, ગોવામાં કોંગ્રેસે હજુ પોતાના ધારાસભ્ય દળના નેતા અંગે ર્નિણય લેવાનો બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૪૦ સભ્યોની વિધાનસભામાં બહુમતીના આંક (૨૧ બેઠકો) સુધી પહોંચવામાં નિષ્ફળ ગયા બાદ ગોવા કોંગ્રેસ એકમે કોઈ બેઠક યોજી નથી. કોંગ્રેસને ૧૧ બેઠકો મળી, તેની સહયોગી ગોવા ફોરવર્ડ પાર્ટીને એક બેઠક મળી, જ્યારે ભારતીય જનતા પાર્ટીને ૨૦ બેઠકો મળી. અગાઉ, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસ-ગોવા ફોરવર્ડ પાર્ટી ગઠબંધન ચૂંટણી પરિણામો બહાર આવ્યા પછી તરત જ તેના નેતાનું નામ નક્કી કરશે. જાેકે, નામ ન આપવાની શરતે કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું હતું કે, અમને હજુ સુધી મતગણતરી બાદ બેઠક માટે કોઈ આમંત્રણ મળ્યું નથી. કોંગ્રેસે જ્યારે મુખ્ય પ્રધાન માટે વિશ્વાસ મત માટે સત્ર બોલાવવામાં આવે ત્યારે તેના નેતા વિશે ગૃહને જાણ કરવી પડશે, ગોવા કોંગ્રેસના વડા ગિરીશ ચોડંકર ટિપ્પણી માટે ઉપલબ્ધ ન હતા જ્યારે પક્ષના અન્ય એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો કે ચૂંટાયેલા સભ્યો તેમના નેતા તરીકે દિગંબર કામત અને માઈકલ લોબો વચ્ચે વહેંચાયેલા હતા.