ગોવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની ઉપસ્થિતિમાં, ગોવાના શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડીયમ ખાતે પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યપ્રધાન તરીકે બીજીવાર શપથ લીધા હતા. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પ્રમોદ સાવંત બીજી ટર્મ માટે ગોવાના મુખ્યમંત્રી બન્યા છે. ગોવા ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટાયા બાદ ભાજપે ગત સોમવારે આ જાહેરાત કરી હતી. પ્રમોદ સાવંતની સાથે ભાજપના આઠ ધારાસભ્યોએ પણ ગોવાના મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ તળેઈગામના ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં યોજાયો હતો. ૪૮ વર્ષીય પ્રમોદ સાવંત ઉત્તર ગોવાના સાંખલિમ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા છે. ૨૦૧૭ માં, જ્યારે ભાજપે સ્વર્ગસ્થ મનોહર પર્રિકરના નેતૃત્વમાં ગોવામાં સરકાર બનાવી, ત્યારે તેઓ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, હરિયાણાના સીએમ મનહર લાલ ખટ્ટર અને કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ પણ હાજર રહ્યા હતા. ૪૦ ધારાસભ્યની સંખ્યાબળ ધરાવતી ગોવા વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં ભાજપે ૨૦ બેઠકો જીતી હતી, જે બહુમતીના આંકથી માત્ર એક બેઠક ઓછી છે. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના બે ધારાસભ્યો અને ત્રણ અપક્ષોના સમર્થન સાથે દરિયાકાંઠાના રાજ્યમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પર્રિકરના અવસાન બાદ સાવંતે માર્ચ ૨૦૧૯માં પ્રથમ વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.