અમદાવાદ
નારાણપુરમાં રહેતા આધેડ રમણભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે તે મુજબ ગત ડિસેમ્બર મહિનામાં તેમના ભાણેજ દ્વારા મુકેશ પંચાલ નામના શખ્સ સાથે પરિચય થયો હતો. મુકેશ પંચાલે સેટિંગમાં એએમસીની સ્કીમમાં મકાન અપાવવાનું કહ્યું હતું. મકાનના ફોર્મ, વેરિફિકેશન, મકાનની કિંમત તથા હપ્તા પેટે અલગ અલગ ૧.૪૪ લાખ પડાવ્યા હતા. જેની સામે કોઈ રસીદ આપી નહોતી પરંતુ ફોર્મ વાળા લખાણમાં સહી સિક્કાવાળું ઓરીજીનલ અરજી પત્રક આપ્યું હતું. હું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ વગ ધરાવું છું જ્યાં તમને સફાઈ કામદારની નોકરી અપાવીશ જે માટે ઉપર પૈસા આપવા પડશે તેમ કહીને એક જણના ૩૦,૦૦૦ રૂપિયા થશે તેવું જણાવ્યું હતું. જે પેટે ફરિયાદીએ ૧૦,૦૦૦ રૂપિયા પણ આપ્યા હતા. બાદમાં ફરિયાદીના અન્ય સંબંધીઓ સાથે પણ સંપર્ક કરીને તેમની બહેન પાસેથી ૪,૩૮,૫૦૦ અને ભત્રીજા પાસેથી ૧૦,૬૭,૦૦૦ પડાવ્યા હતા. કુલ ૧૬,૪૯,૫૦૦ રૂપિયાની છેતરપિંડી કરી હતી જે મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. જેમાં એએમસીની સ્કીમમાં મકાન તથા એએમસીમાં નોકરી અપાવવાના બહાને ગઠિયાએ આધેડ પાસેથી કટકે કટકે ૧૬.૫૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. આટલા પૈસા આપ્યા બાદ પોતે છેતરાયા હોવાનું જાણ થતાં આધેડે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


