આગામી તા. ૩૧/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામીનારાયણ સત્સંગ, હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આગોતરા આયોજન અંગે જીલ્લા કલેકટર સ્તુતિ ચારણે બેઠક યોજી સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેકટરે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ સંવાદના આ કાર્યક્રમમાં છોટાઉદેપુર ખાતે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે તમામ અધિકારીઓએ તેમને સોંપવામાં આવેલી કામગીરીને ગંભીરતાપૂર્વક કરવા માટે તેમણે તાકીદ કરી હતી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, પ્રભારી મંત્રી છોટાઉદેપુર તાલુકાના રાયસિંગપુરા ગામે સવારે ૦૮:૦૦ કલાકથી ૦૯:૦૦ કલાક દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રભાતફેરી યોજી ગામલોકો સાથે સંવાદ કરશે અને વૃક્ષારોપણ પણ કરશે એમ જણાવી તેમણે રાયસીંગપુરા ખાતેના કાર્યક્રમની તૈયારી પણ સુપેરે પાર પડે એ માટે સૌ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે કાર્યક્રમના સ્થળે કરવાની થતી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, કાર્યક્રમના સ્થળે આવનારા નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, ડાયસ પ્લાન વગેરે અંગે વિગતે સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆએ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.એમ.બોરડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, વાસ્મોના યુનિટ મેનેજર અજયભાઇ ચૌધરી, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર કમલેશ બારીયા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


