ગાંધીનગર
દેશભરમાં મોંઘવારીએ માઝા મુકતા જીવન જરૂરિયાતની ચીજાેના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક પછી એક મોટા ભાગે દરેક ચીજ વસ્તુઓ મોંઘી થવા લાગતાં ગરીબ મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. દૂધ, છાસ, શાકભાજી, ઈંધણ સહિતની રોજીંદી વપરાશની ચીજાે મોંઘી થતાં પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમ છતાં વધતી જતી મોંઘવારીને રોકવા સરકાર દ્વારા નક્કર પગલા ભરવામાં નહીં આવતાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે મોંઘવારીના વિરોધમાં બાઈક અને ગેસના બાટલાનું બેસણું યોજી અનોખો વિરોધ કરાયો હતો. ત્યારે આમ આદમી પાર્ટીના યુથ વિંગ દ્વારા પણ મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આમ આદમી પાર્ટી યુથ વિંગનાં કાર્યકરોએ આજે સેક્ટર- ૬ ખાતેના પેટ્રોલ પમ્પ ઉપર આવતા ટુ વ્હીલર ચાલકોને ૫ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી અનોખી રીતે વિરોધ કર્યો હતો. ત્યારે અહીં પેટ્રોલ પુરાવા આવનારા વાહન ચાલકોએ પણ આમ આદમી પાર્ટીના અનોખા વિરોધની નોંધ લઈને ઈંધણ સહિતની જીવન જરૂરિયાતના ભાવ વધારાને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા સત્વરે નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.દેશમાં વધતી જતી મોંઘવારીના પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. આમ આદમી પાર્ટીની યુથ વિંગ દ્વારા ગાંધીનગરના પેટ્રોલ પર ઉપર ઉભા રહીને પેટ્રોલ પુરાવવા આવેલા બાઈક ચાલકોને ૫ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
