ભુજ
દેશની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના લખપત પાસેના નાપાક ઘુસણખોરી માટે પકાયેલા હરામીનાળા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારોની વ્યાપક હિલચાલની માહિતી મળ્યા બાદ બીએસએફની ૫૯ બટાલિયન દ્વારા ક્રિક એરિયાના અલગ અલગ વિસ્તારમાં શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે સ્થાનિક પોલીસ અને એરફોર્સની પણ મદદ સથે ત્રણ ટીમમાં કુલ ૪૦ કમાન્ડો આ કાર્યવાહીમાં જાેડાયા છે. તેના અંતર્ગત ગઈકાલે ૧૧ પાકિસ્તાની માછીમારી બોટ પકડાયા બાદ આજે અટપટી ક્રિકનો ગેરલાભ લઈ નાસી છૂટેલા ૩ પાકિસ્તાની ઘુસણખોર ઝડપાઇ જવા પામ્યા છે. આ માટે હાથ ધરાયેલું ૩૦૦ વર્ગ મીટરની ત્રિજયામાં શોધ અભિયાન સીમા દળો માટે કાદવ, કીચડ, ચેરીયા વન અને દરિયાઈ પાણીમાં આવતી ભરતીના કારણે ખુબજ પડકારજનક હોવા છતાં ઘુસણખોરીને સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવી છે. આજે બીજા દિવસે પણ આ મહા શોધ અભિયાન ગુજરાત સીમા સુરક્ષા દળના વડા જી.એસ. માલિકની સીધી દેખરેખ હેઠળ મજબૂતી સાથે ગતિવાન હોવાનું જાણવા મળી રહ્યું છે.દેશના સરહદી કચ્છ જિલ્લાની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પરના દરિયાઈ હરામીનાળા વિસ્તારમાં સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા પૂર્વ બાતમીના આધારે નાપાક ઘુસણખોરી ડામવા મહા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. દરમ્યાન ભારતીય વિસ્તારમાં ઘુસી આવેલી ૧૧ માછીમારી બોટ ઝડપી પાડયાં બાદ આજે અટપટી ક્રિકનો લાભ લઇ બોટ મૂકીને દેશની સીમા અંદર છુપાઈ ગયેલા ૬ પાકિસ્તાની ઘુસણખોરોને એરફોર્સ, પોલીસના સહયોગ સાથે બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ઉપરાંત હજુ વધુ ઘુસણખોરો ક્રિક વિસ્તારમાં છુપાયા હોવાની આશંકાએ મહા શોધઅભિયાન ગતિપૂર્વક ચાલી રહ્યાનું પણ સામે આવ્યું છે.
