નડિયાદ
કપડવંજ ટાઉન પોલીસે કપડવંજના લિસ્ટેડ બુટલેગર વિરલ પરીખની પાસેથી ૧૬ બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી હતી. પોલીસે ઇન્ટ્રોગેશન કરતા બુટલેગર વિરલ પરીખે પોલીસ સમક્ષ જણાવ્યું કે તેણે વધુ દારૂનો જથ્થો કપડવંજ તાલુકાના જલોયા ગામે આવેલ એક પોલ્ટ્રી ફાર્મમાં સંતાડી રાખેલ હોવાનું જણાવ્યું હતું. આથી કપડવંજ ટાઉન પોલીસ અને જલોયા ગામ હદ વિસ્તારમાં આવેલ આતરસુંબા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ૫૦૭ નંગ વિદેશી દારૂની પેટીઓ કિંમત રૂપિયા ૧૯ લાખ ૬૦ હજારનો જથ્થો કબ્જે કર્યો હતો. આ પોલ્ટ્રી ફાર્મ પીન્ટુ પટેલ નામના વ્યક્તિનુ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલ્ટ્રી ફાર્મની આડમાં દારૂના જથ્થાનો સંગ્રહ થતાં અનેક અટકળોએ જાેર પકડ્યું હતું. આ બાબતે આતરસુંબા પોલીસમાં વિરલ પરીખ અને પીન્ટુ પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જાેકે પીન્ટુ પટેલ ફરાર છે. પોલીસે ઝડપાયેલા આરોપી બુટલેગર વિરલ પરીખને કોર્ટમા રજુ કરી રિમાન્ડ માંગતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને ડિલિવર કરવાનો હતો વગેરે માહિતી રિમાન્ડમાં બહાર આવશે. અત્રે નોંધનીય છે કે વિરલ પરીખ લિસ્ટેડ બુટલેગર છે અવારનવાર તે પકડાયો છે. તેના રિમાન્ડ દરમિયાન અન્ય બુટલેગરના નામ પર ખુલશે તેવી પોલીસને આશા છે. બીજી બાજુ પીન્ટુ પટેલ હજુ પકડાયો નથી તેને પકડવા માટે પોલીસ કામે લાગી છે.થોડા દિવસ અગાઉ આતરસુંબા પોલીસ મથકની હદમાં જલોયા ગામ પાસેના પોલ્ટ્રી ફાર્મમાં છુપાયેલો ઈંગ્લીશ દારૂનો રૂ. ૧૯.૬૦ લાખનો જથ્થો કબ્જે કર્યો હતો. આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં? આવ્યો એ દિશામાં પોલીસે ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવ્યા છે.


