Gujarat

કરશનભાઇની પત્ની સુધાએ એક દીકરીને જન્મ આપ્યો અને સાથે સાથે તેમના આંગણામાં પાળેલી ગૌરી નામની ગાયે પણ એક વાછરડીને જન્મ આપ્યો. દીકરીનું નામ રજની પાડવામાં આવ્યું અને વાછરડીનું નામ રંભા પાડવામાં આવ્યું. રજની અને રંભાનો એકસાથે ઉછેર થવા લાગ્યો, સુધા રજનીનું ધ્યાન રાખે ને રજની રંભાનું….

રજની રંભાને ઘાસ ખવડાવે, પાણી પાવા અવેડા સુધી લઈ જાય અને વળી પછી પ્રેમથી હાથ ફેરવીને રંભાને પંપાળે, રંભાને ચરાવવા માટે લઈ જાય, અને પાછી આવીને કીલકે બાંધી દે પછી એની સાથે વાતો પણ કરે. રંભાની બેસવાની જગ્યા પણ કેવી સ્વચ્છ રાખે! ક્યારેક રંભા દૂધ ન આપે તો સુરીલા સ્વરે ભજન સંભળાવે અને લાગણીથી સ્પર્શ કરીને એવો તે વ્હાલ કરે, જેથી એ અબોલ જીવ પણ સ્નેહના અંકુશમાં બંધાય જાય,
રંભાને લાડ લડાવવામાં રજની મોટી થઈ ગઈ અને એક સારા મુરતિયા સાથે તેના લગ્ન લેવામાં આવ્યા. રજનીની વિદાયવેળા ઢંકડી આવી ને રજનીને રડતી રડતી સાસરે જતા જોઈ. રંભાથી રહેવાયું નહિ, તેણે પૂરી તાકાત લગાવીને કીલક તોડીને દોડતી દોડતી રજની પાસે જઈને આંખોમાં આંસુ સાથે વ્હાલ ભરી નજરે નિહાળી રહી અને રજની રંભાને ભેટીને ખૂબજ રડવા લાગી. રજની અને સંભાને રડતાં જોઇને અને રજનીનો પશુપ્રેમ જોઇને ગામલોકોની આંખમાં પણ આંસુ આવી ગયા.
-તૃપ્તિ વી પંડ્યા
રિપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *