છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ તાલુકાના મુખ્યમથક કવાંટ ખાતે આદિવાસી સમાજનો પરંપરાગત ગેરનો મેળો યોજાયો હતો. ગેરના મેળામાં પરંપરાગત વેશભૂષામાં સજજ આદિવાસી સમુદાયના લોકો ઉમટી પડયા હતા.
હોળી પૂર્વપટ્ટીના આદિવાસી સમાજ માટે મુખ્ય તહેવાર છે. છોટાઉદેપુર જિલ્લો અને અડીને આવેલા મધ્યપ્રદેશના અલિરાજપુર જિલ્લામાં હોળી પહેલા ભંગોરિયા હાટ અને છોટાઉદેપુર જિલ્લામાં હોળી પછી ઠેર ઠેર ચુલના મેળાઓ યોજાય છે. પરંતુ આ વિસ્તારના આદિવાસી સમાજના લોકો માટે કવાંટ ખાતે યોજાતો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.
કવાંટ ખાતે યોજાતો ગેરનો મેળામાં આવતી ગેરો લોકોમાં ખાસ આકર્ષણ ધરાવે છે. જાત જાતની વેશભૂષામાં સજજ ગેરિયાઓ દ્વારા સમગ્ર કવાંટ નગરમાં ગેરિયા નૃત્યુ કરવામાં આવે છે. જેને માણવા માટે દુર દુરના વિસ્તારમાંથી આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના લોકો કવાંટ ખાતે ઉમટી પડે છે.
હોળીના તહેવાર દરમિયાન આદિવાસી સમાજના લોકો ગેરિયા બનાવની માનતા રાખે છે, તેઓ સમગ્ર
શરીર પર સફેદ માટીના ટપકા કરી, માથે મારપીંચ્છની ટોપી પહેરી ઢોલ, થાળી, વાંસળી અને પિહવાના નાદ સાથે
લયબદ્ધ નૃત્ય કરતા હોય એ જોવા માટે આદિવાસી સમુદાયના લોકો ઉમટી પડે છે. ગેરિયા બનતા યુવાનો અને
વયોવૃદ્ધ પાંચ દિવસ સુધી ગામે ગામ ફરી પૈસા અને અનાજ ઉધરાવે છે. તેઓ પાંચ દિવસ સુધી સ્નાન કરતા
નથી, ઘરનું ખાવાનું પણ ખાતા નથી તેમજ ખાટલામાં સુવાનું પણ ટાળે છે. ગેરનો મેળો એ આદિવાસી પરંપરાને
ઉજાગર કરતો મેળો છે
કવાંટ ગેરના મેળામાં મહાલવા માટે આવતા યુવાન યુવતિઓ એક જ ડિઝાઇનના વસ્ત્રો, તેમજ પારંપરિક આભૂષણોમાં સજજ થઇને પાવાના સુર સાથે તાલબદ્ધ નૃત્ય કરતા મેળામાં મહાલવા આવે છે. એક જ ડિઝાઇનના વસ્ત્રો એ એક જ ગામના કે એક જ ફળિયાના હોવાનું સૂચક છે. કવાંટ ખાતે ભરાતો ગેરનો મેળો માત્ર ભારતમાં જ નહીં વિશ્વ પ્રસિદ્ધ મેળો છે, જેમાં આદિવાસી સંસ્કૃતિનું પ્રત્યક્ષ દર્શન થાય છે. ગેરનો મેળો આદિવાસી સમાજની પરંપરા, લોકસંસ્કૃતિની ઝાંખી કરાવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


