Gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું લોકાર્પણ

ગીર સોમનાથ
સોમનાથ આવી કેન્દ્રીય ગૃહમંત્રી એવા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે મહાદેવને શીશ ઝુકાવી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. બાદમાં સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્‌ઘાટન પણ કર્યુ હતું. સોમનાથ મંદિરે પહોંચેલ ગૃહમંત્રી અમીત શાહે મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કર્યા બાદ ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રકલ્પનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન સોમનાથને અભિષેક કરવામાં આવતું જલથી માર્જન કરવાનો અનેરો મહિમા છે. સોમનાથના દર્શન બાદ શ્રદ્ધાળુઓ મંદિરની પ્રદક્ષિણા તેમજ અભિષેક જલથી માર્જન કરતા હોય છે. જેનું અનેરૂ મહત્વ છે. જે કોઈ વ્યકિત સોમગંગા જલથી સ્વશરીરનું પરિમાર્જન કરે છે તો તેની આધિ-વ્યાધિનો નાશ થાય છે. આ સોમગંગા જલ શ્રદ્વાળુઓ પોતે લઈ જઈ શકે તે માટે ઈ.ટી.પી. પ્લાન્ટ લગાડી આ જળને શુદ્ધ કરી આકર્ષક બોટલમાં પેક કરી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુવિધાનો ગૃહમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો. નવી વેબસાઈટના લોન્ચિંગથી યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિનું રજીસ્ટ્રેશન, અતિથિ ગૃહ રૂમનું બુકિંગ, ડોનેશન, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઇન બુક કરાવી શકશે. સોમનાથની પ્રસાદી તેમજ શ્રી સોમનાથ મંદિરમાં પૂજા કરાયેલ ચાંદીના સિક્કા, શ્રી પાર્વતી માતાને ચડાવેલ સાડી, મહાદેવને શૃંગાર કરેલ વસ્ત્રો તથા મંદિર પર ધ્વજા રોહણ કરાયેલ ધ્વજા પણ વસ્ત્ર પ્રસાદી રૂપે ઓનલાઇન મંગાવી શકશે તેમજ સ્નેહી સંબંધીને પણ મોકલાવી શકાશે. સોમનાથના રોજેરોજના લાઈવ દર્શન, આરતી તેમજ સાઈટ સીન, પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક, ટેમ્પલ વોકની પણ માહિતી મળશે. આ નવિન વેબ પોર્ટલ ગૃહ મંત્રીએ લોંચ કર્યુ હતુ. ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થયેલ સમુદ્ર દર્શન પથની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી રૂપિયા ૧.૮૦ કરોડના ખર્ચે શ્રી મારુતિનું હાટનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦/૧૦ ફૂટની ૨૬૨ દુકાનો બનાવી સ્થાનિક હોકર્સને ફાળવવામાં આવેલ છે. આ દુકાનો હોકર્સને મળવાથી ૨૦૨ પરીવારોને રોજગારી મળી છે. વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર ૧૬ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર શ્રી હનુમાનજીની ૧૬ ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. બીચ પર આવતા સહેલાણીઓ આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે અને આ પ્રતિમા સોમનાથના બીચની ભવ્ય ઓળખ બનશે. ગૃહમંત્રીની સોમનાથ મુલાકાતમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, રાજશીભાઈ જાેટવા, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, પાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, સોમનાથ મંદિર ટ્રસ્ટી જે.ડી.પરમાર, પી.કે લહેરી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જીએમ વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે રહ્યા હતા.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *