ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક ભાડથર ગામે બપોરે લાખોની કિંમત ધરાવતી જમીન બાબતે બે જુથ વચ્ચે ઘર્ષણ થયુ હતુ જેમાં ફાયરીંગ થતા ભારે દોડધામ મચી જવા પામી હતી.જયારે પાંચ વ્યકિતને ઇજા પહોચતા હોસ્પીટલમાં ખસેડાયા હતા. જેસબી મારફતે જમીન ખાલી કરાવવા મામલે લોહીયાળ ઘિંગાણુ થયાનુ ખુલ્યુ છે.ગામમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી પોલીસે એક રાજકી્ય આગેવાન સહિતના સામે ફાયરીંગ મામલે ગુનો નોંધી તેને દબોચી લેવા કવાયત શરૂ કરી છે. સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખંભાળીયા તાલુકાના ભાડથરમાં બપોરે જમીન બાબતે બે જૂથો વચ્ચે માથાકુટ બાદ ઘર્ષણ થતા મામલો ભારે ઉગ્ર થયો હતો. જેમાં કેટલાક એક જુથના અમુક શખ્સોએ હથિયાર વડે ફાયરિંગ કરતા બીજા જુથના ચારથી પાંચ લોકોને ઇજા થવા પામી હતી. જે તમામ ઇજાગ્રસ્તોને ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પૈકી ગંભીર ઇજાગ્રસ્ત બે લોકોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક યુવાનની હાલત અત્યંત નાજુક ગણવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં ડીવાય એસપી ચોધરી, પીઆઇ જુડાલ સહિતના અધિકારીઓ થતા પોલીસ કાફલો ભાડથર ગામે દોડી ગયો હતો.પોલીસ દ્વારા કોઇ અનિઇચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત મુકાયો છે. પોલીસ ઇજાગ્રસ્ત લોકોનું નિવેદન નોંધી હત્યાની કોશિશ સહિતના ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ફાયરિંગ મામલે રાજકીય આગેવાન પ્રતાપ રાણસુર રૂડાચ સહિતના પર આર્મ્સ એકટ તેમજ હત્યા સહિતની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જયારે પોલીસે આરોપીઓને પકડી પાડવા જુદી જુદી ટીમો બનાવી દોડધામ શરૂ કરી છે. આ અંગે ડીવાયએસપી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાડથરમાં જૂથ અથડામણમાં પાંચ જેટલા ઇજાગ્રસ્ત થયા છે. આરોપી પક્ષે ૨૦થી ૨૫ જણાનું ટોળું હતું. જે ટોળાએ ધોકા, પાઇપ વડે હુમલો,ફાયરિંગ કર્યાનુ સામે આવ્યુ છે. વધુ મળતી માહિતી મુજબ ભાડથર પાટિયા નજીક જમીન બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જે બાબતે એક પરિવારના કેટલાક ઈસમો જેસીબી સાથે ઉપરોક્ત સ્થળે જમીન ખાલી કરાવા માટે ગયા હતા. તે સમયે અન્ય જુથ દ્વારા માથાકુટ થતા આ સમગ્ર મામલો લોહીયાળ જંગમાં ફેરવાયો હતો.બીજી બાજુ આ જમીનનો ખાલી કરાવવા મામલે થયેલો કજીયો આગામી દિવસોમાં મોટું વિકરાળ રૂપ ધારણ કરે તો નવાઈ નહિ એમ પણ સ્થાનિકોમાં ર્ચચાય રહયુ છે.


