રાજકરણમાં મારા પ્રવેશ અંગે મને હૂંફ આપવા આવ્યા છે: નરેશ પટેલ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યાં જ રાજકીય ઉથલપાથલની શરૂઆત થઈ ગઈ છે. તેમાંય ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચા એ જોર પકડ્યું છે. એ દરમિયાન આજે તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ સાથે ખોડલધામ ખાતે બેઠક યોજી હતી.
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ ને લઈ લોકો રાહ જોઈ રહ્યાં છે. તેમજ નરેશ પટેલને અનેક રાજકારણીઓ, તેમજ અનેક પાર્ટી અને અનેક સમાજના લોકો તેમની સાથે બેઠક કરી રહ્યાં છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ અને અગ્રણીઓ તેમજ અન્ય સમાજના લોકોની ખોડલધામ ખાતે નરેશ પટેલ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સામાજિક ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ મનહર પટેલ તેમજ આગેવાનો દ્વારા નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો ગુજરાતનું ભવિષ્ય ઊજળું બને તેવી લાગણી દર્શાવી હતી.
કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે જણાવ્યું હતું કે, તેઓ નરેશ પટેલને હૂંફ આપવા આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ અને ગુજરાતમાં ફરી સારા દિવસો આવશે. તો બીજી તરફ, નરેશ પટેલને રાજકીય પ્રવેશને લઈ પૂછવામાં આવ્યું ત્યારે ફરી એ જ રટણ કર્યું હતું કે સમય આવશે એટલે હું મારો નિર્ણય લોકો સમક્ષ મૂકીશ. આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી. સમય આવશે ત્યારે રાજકારણ અંગે જાણ કરીશ.
હરેશ ભાલીયા જેતપુર