મહેસાણા
મહેસાણા જિલ્લાના ખેરવા પાસે આવેલી ગણપત યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવશે. જેથી કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને હવે દૂર સુધી લાંબા નહિ થવું પડે. ગણપતભાઈ પટેલ અને મંજુલાબેન પટેલના શિક્ષણ થકી સમાજ ઉત્થાન સેવા કાર્યમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમના પત્ની કાંતાબેન તરફથી ગણપત યુનિવર્સિટીને ગુજરાત સરકાર માન્ય એગ્રીકલ્ચર કોલેજની સ્થાપના માટે રૂપિયા પાંચ કરોડ જેવી રકમનું દાન મળ્યું છે. જેના દ્વારા કાંતાબેન કાશીરામ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર સાયન્સિસ એન્ડ રિસર્ચની સ્થાપના થવા જઈ રહી છે. આ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એડવાન્સ ટેકનોલોજી અને સંપૂર્ણ સુવિધા સભર ક્લાસરૂમ તેમજ ઇમ્પોર્ટડ સાધન સામગ્રીથી સજ્જ લેબોરેટરી વગેરેની સુવિધા મળશે. સ્થાપિત એગ્રીકલ્ચર કોલેજ સમગ્ર રાજ્યમાં સ્થપાયેલ અન્ય પ્રાઇવેટ એગ્રીકલ્ચર કોલેજ કરતાં ભિન્ન અને શ્રેષ્ઠ હશે, જેનો લાભ ગુજરાત રાજ્ય અને દેશના તમામ વિદ્યાર્થીઓને મળશે. નોંધનીય છે કે કોલેજ માટે દાન આપનાર દાતાએ અગાઉ પણ પલાસર, લણવા અને ધીણોજ ગામની શાળાઓના વિવિધ વિકાસના કામો માટે આશરે રૂ. ૨૫ કરોડનું અને લણવામાં એક આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.


