દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ગઈકાલે શનિવારે દ્વારકા તાલુકામાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખતુંબા ગામે ગાંજાના જથ્થા સાથે ઓખા મંડળનો શખ્સ ઝડપાયો હતો. પોલીસે રૂ. ૨૧ હજાર ૫૭૦નો મુદ્દામાલ ઝડપી કાયયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા એસ.ઓ.જીના એએસઆઈ અશોકભાઈ સવાણી તથા જીવાભાઈ ગોજીયાને મળેલી ચોક્કસ બાતમી મળી હતી કે ઓખા મંડળના ખતુંબા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા પુંજાભા મુરુભા જિમલભા સુમણીયા નામનો ૨૫ વર્ષીય શખ્સ તેના રહેણાંક મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરે છે અને આ ગાંજાે વેચે છે. આ માહિતી પરથી પોલીસે આ સ્થળે દરોડો પાડી ઉપરોક્ત શખ્સને ૨ કિલો ૧૫૭ ગ્રામ ગાંજાના છોડ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણ સંદર્ભે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી પુંજાભા સુમણીયાની અટકાયત કરી હતી. ઉપરોક્ત મુદ્દામાલની કિંમત રૂપિયા ૨૧ હજાર ૫૭૦ આંકવામાં આવી છે. આ પ્રકરણમાં આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. સી.એલ. દેસાઈ ચલાવી રહ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દ્વારકાના પી.આઈ. કે.બી. યાજ્ઞિક, એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયા, હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી વગેરે દ્વારા કરવામાં આવી હતી.


