Gujarat

ગાંધીનગરમાં પૂરપાટ જતી ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં ૧૦ બાળકને નાનીમોટી ઈજાઓ

ગાંધીનગર
ગુજરાત રાજ્ય ના પાટનગર એવા ગાંધીનગરના ચ-૬ સર્કલ પાસે સવારના સમયે ખાનગી બસની ટક્કરથી એક સ્કૂલવાન પલટી જતાં ૧૦ બાળકને નાનીમોટી ઈજાઓ થવા પામી હતી, જે પૈકી એક બાળકને ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સવારના સમયે આખો રોડ ખાલી હોવા છતાં માતેલા સાંઢની માફક બસની ટક્કરથી સ્કૂલવાન પલટી જતાં બાળકોની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું. ચ-૬ સર્કલ પર ખાનગી બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે હંકારીને સ્કૂલવાનને ધડાકાભેર ટક્કર મારતાં વાન પલટી ગઈ હતી. સ્કૂલવાનમાં ૧૨ બાળક હતાં, જેમાંથી ૧૦ને શરીરે નાનીમોટી ઈજાઓ થવા પામી છે. તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે એકને હાઇટેક અને એકને કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ લઈ જવાતાં તેમના વાલીઓ પણ સિવિલ દોડી આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. આ બાળકો સેકટર – ૨૩ કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે અને બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગાંધીનગરના માર્ગો પર ઓવરલોડ બાળકોને ભરીને દોડતી સ્કૂલવાન અને રિક્ષામાં બાળકોને ઘેટાં-બકરાંની માફક ભરવામાં આવી રહ્યાં હોય તેવા દ્રશ્યો ઘણી વાર જાેવા મળતા હોય છે. થોડા સમય અગાઉ પણ એક સ્કૂલવાન પલટી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે આજે ખાનગી બસની ટક્કરથી સ્કૂલવાન પલટી ગઈ છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *