ગાંધીનગર
ગાંધીનગરના સેક્ટર – ૨૬ ગ્રીનસીટી સોસાયટીમાં ધુળેટીના દિવસે વકિલ યોગેશ ગજાનન કાનડેની કરતૂતથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. એકતરફી પ્રેમમાં અંધ બનેલાં વકિલે ધૂળેટીનાં તહેવારની આડમાં ૫૮ વર્ષીય મહિલાને ખેંચીને ગાલ પર ગુલાલ લગાડી બાથમાં જકડી લેતાં મામલો બિચક્યો હતો. જેનાં કારણે રહીશોએ વકિલ યોગેશને ધૂળેટીનાં દિવસે બરોબરનો ધોઈ નાખ્યો હતો. ગાંધીનગર સેક્ટર – ૨૬ ગ્રીનસીટી સોસાયટીમાં રહેતાં ૫૮ વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ છેલ્લા દસ વર્ષથી સોસાયટીમાં રહેતો વકિલ યોગેશ ગજાનન કાનડે તેમની પર ખરાબ દાનત રાખીને હેરાન પરેશાન કરી બિભત્સ ઇશારા કરતો રહેતો હતો. તેમજ નનામી પ્રેમપત્રો લખીને તેમના કમ્પાઉન્ડમાં ફેંકી હેરાન કર્યા કરતો હતો. આ બાબતે મહિલાએ વર્ષ ૨૦૧૫ માં વકિલ યોગેશની કરતૂતથી કંટાળીને પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. જાેકે, તે વખતે યોગેશની પત્ની અને માતાએ પાડોશી તરીકે માફી માંગતા માનવતા રાખી તેમણે સમાધાન કરી લીધું હતું. આ ઘટના પછી યોગેશ થોડા વખત માટે સુધરી ગયો હતો. બાદમાં પાછું મહિલાને ઇશારા કર્યા કરતો રહેતો હતો. આથી આબરૂની બીકે મહિલા યોગેશનો ત્રાસ સહન કર્યા કરતી હતી. આ દરમિયાન ધુળેટીનાં દિવસે તો વકિલ યોગેશ કાનડેએ તમામ હદ વટાવી દીધી હતી. તહેવાર નિમિત્તે મહિલા સોસાયટીની મહિલાઓ અને બાળકો સાથે ધુળેટી રમી રહ્યા હતા. તે વખતે યોગેશ હાથમાં અબીલ ગુલાલ લઈને મહિલા પાસે પહોંચી ગયો હતો અને મોઢા પર ગુલાલ લગાવી મહિલાને ખેંચીને બાથમાં ભરી લીધી હતી. આથી અન્ય મહિલાઓએ તેમને છોડાવ્યા હતા. આ મામલે હોબાળો થતા સોસાયટીના રહીશો તેમજ પીડિત મહિલાનાં પુત્રો પણ દોડી આવ્યા હતા. જેનાં કારણે યોગેશ દોડીને તેના ઘરના ધાબા પર જતો રહ્યો હતો અને ત્યાંથી રહીશો પર ઈંટો ફેંકવા લાગ્યો હતો. જેનાં કારણે બે વસાહતીને ઇજા પણ પહોંચી હતી. ધાબા પરથી યોગેશ બિભત્સ ગાળો બોલી છૂટા હાથે પથ્થરો ફેંકી પીડિત મહિલાની કારના કાચ પણ તૂટી ગયો હતો. જેમાં યોગેશની પત્ની અને પુત્ર પણ પથ્થરો ફેંકી રહ્યા હતા. યોગેશ રહીશોને ગાળો બોલી કહેવા લાગ્યો કે, હું વકિલ છું કાયદો મારા ખિસ્સામાં છે, બધાને ખોટા કેસમાં ફસાવી હેરાન પરેશાન કરી દઈશ. જેનાં પગલે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં યોગેશ અને તેની પત્ની વિરુદ્ધ આઇપીસી કલમ ૩૩૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૧૪,૩૫૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલાનાં પતિ સાથે અગાઉ ઝગડો થયો હતો. જેની અદાવત રાખીને મહિલાના પતિ અને તેના બે પુત્રો સહિત સોસાયટીના નવ લોકો હાથમાં ડંડા લઈને ગાળો બોલી મારવા આવ્યા હતા. જેનાં કારણે બીકનો માર્યો ધાબા પર ચઢી ગયો હતો. આ બધા ધાબા પર આવીને કહેવા લાગ્યા કે, તું અવારનવાર બધા જાેડે ઝગડા કરે છે. તેમ કહીને ફરી વળ્યા હતા. મારી પત્ની અને પુત્ર છોડાવવા માટે વચ્ચે પડતાં તેઓને પણ આ લોકોએ માર માર્યો હતો અને મારી કારના કાચ અને ઘરની બારીના કાચ પથ્થર ફેંકીને તોડી નાખ્યા હતા. જેનાં પગલે પોલીસે સોસાયટીના નવ લોકો વિરુદ્ધમાં આઇપીસી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૩૨૫,૫૦૪,૩૩૭,૪૨૭,૪૫૨ અને ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
