કેન્દ્ર સરકારના નેશનલ ટ્રસ્ટના બોર્ડ મેમ્બર પૂજા વઘાસીયા દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ગ્રાન્ટમાંથી આવેલ સાધનોનું દિવ્યાંગોને વિતરણ કરાયું
ગિરગઢડા
ભરત ગંગદેવ..
જિલ્લાના કોડીનાર તાલુકા સ્થિત જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જિલ્લાભરના દિવ્યાંગોની સેવા કરે છે. સરકાર ના વિવિધ લાભો તેમના સુધી પહોંચાડવા માટે ટ્રસ્ટના મંત્રી આરીફભાઈ ચાવડા દ્વારા દિવ્યાંગોને પ્રોત્સાહન આપી અને વહીવટી સરળતા કરી આપવામાં આવે છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જે ખાસ કરીને દિવ્યાંગો માટે બનેલ છે તેમને વહેલી તકે લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં લાભાર્થીઓને ત્રણ પૈડાં વાળી સાયકલ, વ્હિલ ચેર, સ્પ્લીન્ટ-ઓર્થોસીસ, કુત્રિમ બનાવેલ હાથ-પગ, વોકર, સીપી ચેર, ક્રચિસ, સહિતના સાધનો આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના નેશનલ ટ્રસ્ટ ના બોર્ડ મેમ્બર પૂજા વઘાસીયા દ્વારા કાર્યક્રમનું અધ્યક્ષ પદ સંભાળવામાં આવ્યું હતું
આ પ્રસંગે પૂજાબેન વઘાસિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની એ.ડી.આઈ.પી સ્કીમ હેઠળ દિવ્યાંગોને તમામ પ્રકારની સાધન-સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં વિશેષ રૂપે ૪ પ્રકારના દિવ્યાંગો જેમાં સેરેબલ પાલ્સી ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબ્લિટી,ઓટીઝમ મલ્ટીપલ ડિસેબ્લિટીનો સમાવેશ કરાય છે. જેના હેઠળ ફિઝિકલ હેન્ડીકેપ દિવ્યાંગો માટે કુત્રિમ આ અંગો તેમજ સહાયક સાધનો, સેરેબલ પાલ્સી ગ્રસ્ત દિવ્યાંગો માટે વિશેષ રૂપે બનાવવામાં આવેલ સાધનો,સાંભળવાની ખામી ધરાવતા દિવ્યાંગો માટેના સાધનો, દ્રષ્ટિ ની ખામી ધરાવતા દિવ્યાંગો માટેના સાધનો આ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પુરા પાડવામાં આવે છે. એ ડી આઈ પી સ્કીમ હેઠળ લાભાર્થી દિવ્યાંગોને બોલાવી કેલિપર અથવા કુત્રિમ અંગ નું માપ લેવામાં આવે છે અને તેમની જરૂરીયાત અનુસાર સાધનનું નિર્માણ કરવામાં આવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ગીર સોમનાથ જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી દ્વારા તમામ એસેસમેન્ટ કરીને ગુજરાત સરકારને મોકલવામાં આવ્યા હોય તેમની ભલામણ અને ક્લિયરન્સ બાદ કેન્દ્ર સરકાર દ્વારા adip યોજના હેઠળ લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ દિવ્યાગોને સાધન સહાય અર્પણનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, જિલ્લા પંચાયત હંમેશ માટે આ દિવ્યાંગોના લાભ અને હિત માટે સહયોગ આપશે.
આ પ્રસંગે અગ્રણી બચુભાઈ વાઝા, ભરતભાઈ મોરસીયા સદસ્ય જિલ્લા પંચાયત, મિહિરભાઈ જાની સ્ટેટ કો ઓર્ડિનેટર નેશનલ ટ્રસ્ટ, હર્ષ વર્ધન મૌર્ય જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. બાબુભાઈ રાઠોડ જિલ્લા આઇઇડી કોઓર્ડિનેટર સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


