Gujarat

ગીર સોમનાથ ICDS શાખા દ્વારા સંકલિત બાળ વિકાસ યોજનામાં ૧૧૯ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર અપાયા

નવી નિમણૂકથી ‘કુપોષણ વિરુદ્ધ અભિયાન’ને મળશે વેગ, બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી બહેનોએ લીધી નેમ
  ગિરગઢડા તા 26
  ભરત ગંગદેવ..
 ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોની ઓનલાઈન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ICDS શાખા જિલ્લા પંચાયત, ગીર સોમનાથ દ્વારા સંકલિત બાળ વિકાસ યોજનામાં નિયુક્તી પામેલ ૧૧૯ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સેવાના નિમણૂક પત્ર એનાયત કરવા માટેનો કાર્યક્રમ યોજાયેલ. સોમનાથ રામમંદિર ઓડિટોરિયમ ખાતે દીપ પ્રાગટ્યની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રામીબહેન વાજા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના મહાનુભાવો દ્વારા નવી માનદ સેવાના નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતાં.
જિલ્લા પંચાયત ગીર સોમનાથ ICDS શાખા અંતર્ગત તાલાલામાં ૨૧, ઉનામાં ૧૯, ગીરગઢડામાં ૧૭, વેરાવળ-૧ અને વેરાવળ-૨માં અનુક્રમે ૧૯ અને ૧૫, કોડીનાર-૧ અને કોડીનાર-૨માં અનુક્રમે ૯ અને ૧૨ તેમજ સુત્રાપાડામાં ૭ ખાલી જગ્યાઓમાં એમ કુલ ૧૧૯ નવી નિમણૂક આપવામાં આવી છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રામીબહેન વાજાએ સંબોધન કરતા જણાવ્યું કે, એક માતા ૧૦૦ શિક્ષકની ગરજ સારે છે. આંગણવાડી અને તેડાગર બહેનોને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આથી જ સરકારે નવી ભરતી કરી અને હવે બહેનોની જવાબદારી છે કે કુપોષિત માતાઓની પણ સંભાળ લે તેમજ રમતાં-રમતાં બાળકોનું જ્ઞાન કેળવાય અને દેશનો સારો નાગરિક બને.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલેએ નવનિયુક્ત આંગણવાડી બહેનોના ઉત્સાહમાં વધારો કરતા જણાવ્યું હતું કે, બાળકોનો કેવી રીતે જ્ઞાન સાથે ગમ્મતસભર અને પદ્ધતિસર ઉછેર કરવો જરુરી છે આંગણવાડી અને તેડાગર બહેનો સાચા અર્થમાં બાળકોના પ્રથમ શિક્ષક હોય છે ત્યારે વધુમાં તેમણે  કુપોષણ કઈ રીતે નાબૂદ કરવું તે અંગે ચર્ચા કરી હતી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રી આર.કે.મકવાણા તેમજ નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ બાળકોમાં શારીરિક અને માનસિક એમ સર્વાંગી વિકાસ પર ભાર મૂકી આંગણવાડીનું મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાયોડાયવર્સિટી સમિતિ ચેરમેન  રાજવિરસિંહ ઝાલા, બાંધકામ સમિતિ ચેરમેન  રુડાભાઈ શિંગોડ, અગ્રણી  વિક્રમભાઈ પટાટ તેમજ  કાનાભાઈ મુશાળ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમના અંતે કોડીનાર સીડીપીઓ  મંજૂલાબહેન મોરીએ આભારવિધિ પૂર્ણ કરી હતી.

IMG-20220525-WA0455.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *