અમદાવાદ
અમદાવાદ શહેરમાં તમામ પોલીસકર્મીઓનો ટેસ્ટ કરવાની શરૂઆત કરાઈ છે. હજી સુધી કોઈ પણ પોલીસ જવાનને હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડી નથી. બીજી તરફ કો.મોર્બિડ અને ઉંમરલાયક પોલીસ કર્મીઓને તેમના ઘરની નજીક નોકરી ફાળવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં બીમાર કે ઉંમર લાયક પોલીસકર્મી અરજી કરે તો તેમને તેના ઘર નજીકના પોલીસ સ્ટેશનમાં નોકરી ફાળવવામાં આવે તે માટે વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધી શકવાની શંકાના આધારે ફ્રન્ટલાઈન વર્કર તરીકે પોલીસ જ સીધા સંપર્કમાં આવતી હોવાથી ગૃહ વિભાગે આ અંગે ગંભીરતાથી નોંધ લીધી છે.સમગ્ર રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી રહ્યો છે. કોરોનાની આ ત્રીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે આજે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા પણ કોરોના સંક્રમિત થયાં છે. તેમને હળવા લક્ષણો હોવાથી ઘરેજ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. બીજી તરફ રાજ્યમાં ૩૦૦થી વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. જેમાં અમદાવાદ શહેરમાં ૪૩ પોલીસ કર્મીઓ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
