અમદાવાદ
કોરોનાનું સંક્રમણ હવે હાઇકોર્ટમાં પણ ફેલાઈ રહ્યું છે. આજે ગુજરાત હાઇકોર્ટના વધુ બે જજ કોરોના સંક્રમિત થયા છે, અગાઉ અન્ય એક જજ કોરોના સંક્રમિત થયા હતા. આમ અત્યાર સુધીમાં હાઇકોર્ટના ૩ જજ કોરોના સંક્રમિત થયા છે. ૧લી જાન્યુઆરીથી ૧૮ જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ ૯ દર્દીના મોત થયા છે. આ પહેલાં ૧૩ જાન્યુઆરીએ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું. જ્યારે ૧૫ જાન્યુઆરીએ પણ ૨ દર્દીના કોરોનાથી મોત થયા હતા. શહેરમાં અગાઉ ૨૪ ડિસેમ્બરે એક દર્દીનું મોત થયું હતું. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨ લાખ ૮૬ હજાર ૨૦૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ૨ લાખ ૫૪ હજાર ૩૫૪ દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને ૩,૪૨૧ થયો છે. શહેરમાં ૧૧૧ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. જેમાં ગઈકાલે વધુ ૨૯ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે જ્યારે ૨૩ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. આમ હવે શહેરમાં કુલ ૧૦૫ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો ૧૬૫ મકાનોના ૬૩૫ લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં દાણીલીમડામાં રવિન્દ્ર પાર્ક સોસાયટીના ૩૫ મકાનના ૧૭૫ લોકો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ખોખરાની શેરોન એવન્યૂના ૨૫ મકાનના ૭૬ લોકો તથા થલતેજના સુજય એપાર્ટમેન્ટના ૨૪ મકાનના ૬૩ લોકોને પણ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે.અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે હાઇકોર્ટના વધુ બે ન્યાયધીશ કોરોના સંક્રમિત થયા છે. ગઈકાલે શહેરમાં ૫૯૯૮ અને જિલ્લામાં ૮૦ મળીને કુલ ૬૦૭૮ કેસ નોંધાયા હતા. કોરોનાની ત્રણેય લહેરમાં પહેલીવાર એક જ દિવસમાં ૬૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ ૫,૮૬૪ કેસ અમદાવાદમાં આવ્યા હતા. મંગળવારે શહેરમાં લગભગ ૨૪ હજાર ટેસ્ટ થયા હતા જેમાંથી ૬ હજાર દર્દી પોઝિટિવ આવ્યા હતા. આમ પોઝિટિવિટી રેટ ૨૫ ટકા થઈ ગયો છે. ગઈકાલે ૨૯૦૮ દર્દી કોરોનાને માત આપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા. જ્યારે ૩ દર્દીઓના આજે કોરોનાથી મોત થયા હતા. શહેરમાં વધુ ૨૩ નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા હતા.


