Gujarat

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરશ્રીઓ દ્વારા જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેમજ ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ જળવાય તે દિશામાં કામગીરી હાથ ધરવા ઓબ્ઝર્વરશ્રીઓનું સૂચન

જામનગર તા.16, જામનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.જેમાં જામનગર 76 કાલાવડ તથા 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે શ્રી વૈદ્યનાથ યાદવ, 78 (ઉત્તર) તથા 79 (દક્ષિણ) વિધાનસભા બેઠક પર શ્રી ધીરજ કુમાર, 80 જામજોધપુર બેઠક માટે શ્રી રાય મહિમાપત રે ની જનરલ ઓબ્ઝર્વર તરીકે તેમજ શ્રી કેતન પાટીલની સમગ્ર જિલ્લા માટે પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઈ છે.

ત્યારે આ ઓબ્ઝર્વરશ્રીઓ દ્વારા જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ચૂંટણી લક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલ ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

જેમાં તેઓએ વિધાનસભા બેઠક વાર મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વિવીપેટની થયેલ ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધીત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગે વાહનોની ફાળવણી, સ્ટ્રોમ રૂમ વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

બેઠકમાં ઓબ્ઝર્વરશ્રી સુધીર કુમારે જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ હોવી જરૂરી છે. ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજી વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં સૌ સાથે મળી કામગીરી કરીએ.

બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, શ્રી વિજય પ્રણવ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલ્પના ગઢવી, શહેર પ્રાંત અધિકારી શ્રી ડી.ડી.શાહ વગેરેએ ઓબઝર્વરશ્રીઓને ઝીણવટભરી ચૂંટણીલક્ષી બાબતો તથા કામગીરીથી વાકેફ કર્યા હતા.

બેઠકમાં વિવધ સમિતિના નોડલ અધિકારીશ્રીઓ, આસિસ્ટન્ટ નોડલ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *