Gujarat

છોટાઉદેપુર ખાતે ઉજજવલ ભારત ઉજજવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ યોજાયો ​

રાજય સરકાર દ્વારા સમાજના સૌ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટે સતત ચિંતિંત છે. છેવાડાના માણસનું જીવન ધોરણ પણ ઉંચું આવે એ માટે સરકાર દ્વારા ગુણવત્તાસભર સેવાઓ પુરી પાડવામાં આવે છે એમ, જિલ્લા પંચાયત પ્રમુખ  મલકાબેન પટેલે જણાવ્યું હતું.
​છોટાઉદેપુરના ઘેલવાંટ ખાતે આવેલા સ્વામીનારાયણ સત્સંગ હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત ઉજજવલ ભારત ઉજજવલ ભવિષ્ય: વિજળી@૨૦૪૭ અંતર્ગત આયોજીત વીજ મહોત્સવમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મલકાબેને વિજળીની અગત્યતા અંગે વિગતે સમજ આપી વિજ માળખાને સુદ્રઢ અને અદ્યતન કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. વિજળીના માધ્યમથી ઓછા સમયમાં વધુ કામ કરી શકાય એમ જણાવી થતા ફાયદાઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વિજળીના માધ્યમથી સ્માર્ટ ફોન તેમજ ઇન્ટર્નેટ સેવા વધુ વ્યાપક બની છે. જેનાથી સમાજના તમામ વર્ગોને ખૂબ લાભ થયો છે એક કહી તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ વિજળીની વ્યાપક ઉપલબ્ધતાને કારણે આજે ઝળહળતી સફળતા મેળવી રહ્યા છે એમ ઉમેર્યું હતું.
​વધુમાં તેમણે દેશના તેમજ રાજયના દરેક ઘર વિજળીની રોશનીથી ઝળહળી ઉઠે એ માટે રાજય સરકાર પ્રતિબદ્ધ છે એમ જણાવી તેમણે વિજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે એ ઇચ્છનીય છે એમ જણાવ્યું હતું.
​કાર્યક્રમ વિજ મહોત્સવ કાર્યક્રમના નોડલ અધિકારી અને મધ્ય ગુજરાત વિજ કંપની, વડોદરાના કાર્યપાલક ઇજનેર વ્યાસે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા આયોજીત વિજ મહોત્સવ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા ૭૫ વર્ષમાં વિજ ક્ષેત્રે થયેલી કામગીરી જન જન સુધી પહોંચે એ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
​કાર્યક્રમમાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઇ અને અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને વિજ કનેકશનના પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા.
​સંસ્કૃતિ થિયેટર બરોડાના કલાકારોએ જનજાગૃતિ અર્થે નાટક પ્રસ્તુત કર્યું હતું. સનરાઇઝ હાઇસ્કુલની બાળાઓએ સુંદર નૃત્યુનાટિકા રજૂ કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિજ ક્ષેત્રે કરેલી કામગીરી દર્શાવતી દસ્તાવેજી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
​કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા મધ્ય ગુજરાત વિજ કંપનીના કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઇ મહેતાએ કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમની આભારવિધિ નાયબ ઇજનેર વાય.આર.રાણાએ આટોપી હતી.
​કાર્યક્રમમાં પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી છાયાબેન રાઠવા, તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, જિલ્લા પંચાયત સભ્ય શર્મિલાબેન, જિલ્લા પંચાયત સભ્ય ગુમાનસિંહ રાઠવા, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1658845148860.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *