છોટાઉદેપુર જિલ્લાના મુખ્યમથક છોટાઉદેપુર ખાતે આવેલા વિડીયો કોન્ફરન્સ, હોલમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી નિરીક્ષકો દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આગામી તા. ૦૫મી, ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબકકામાં છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો માટે ચૂંટણી ઓબ્ઝર્વરોની નિમણુંક કરવામાં આવી છે.
છોટાઉદેપુર ખાતે આવેલા વિડીયો કોન્ફરન્સ હોલમાં જનરલ ઓબ્ઝર્વર ૧૩૭- છોટાઉદેપુર તરીકે નિમાયેલા ઓમપ્રકાશ બોકરિયા, ૧૩૮- જેતપુરપાવીના ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા આન્દ્ર વામસી અને ૧૩૯- સંખેડા વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર સંજયકુમાર જૈનની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
ચૂંટણી નિરીક્ષકોએ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને કરવામાં આવેલા આયોજન અંગે વિગતે સમીક્ષા કરી હતી. તેમણે સમગ્ર ચૂંટણી પ્રક્રીયા ન્યાયી અને મુકત વાતાવરણમાં યોજાય એના માટે ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું હતું. તમામ નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી તેઓ વાકેફ થયા હતા. આ ઉપરાંત તેઓએ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી સમગ્ર કામગીરી અંગે વિગતે છણાવટ કરી ઉપયોગી માહિતી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પણ ઉમેદવારોના ખર્ચ નિયંત્રણ અંગે કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતે જાણકારી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ અંગે કરવામાં આવી રહેલી કામગીરી અંગે ચૂંટણી નિરીક્ષકોને વિગતે જાણકારી આપી હતી.
બેઠકમાં મદદનીશ કલેકટર રાઠોડ, અધિક નિવાસી કલેકટર આર.કે ભગોરા, પ્રયોજના વહીવટદાર રવિન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ગરામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, અન્ય નોડલ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


