આગામી તા. ૦૯મી, ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ અને સંખેડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે.
સમગ્ર વિશ્વમાં તા. ૦૯મી, ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે આવેલા સ્વામીનારાયણ હોલમાં રાજયકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઇ માલમ, ગાયત્રી મંદિરની બાજુમાં સૈડીવાસણ રોડ, કવાંટ ખાતે કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ, ઉદ્યોગ, વન પર્યાવરણ, અને કલાઇમેટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી વિભાગના રાજયમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા અને ડી.બી.પારેખ હાઇસ્કૂલ, સંખેડા ખાતે સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજયમંત્રી આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
છોટાઉદેપુર જિલ્લાના કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદિવાસી દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગના રૂા. ૧૮૬૩.૨૩ લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાના ૧,૧૫,૯૧૩ લાભાર્થીઓને રૂા.૧૮૨૯.૮૮ લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય વિભાગોના પણ ૫૨૭ લાભાર્થીઓને કીટ, મંજુરી હુકમો અને ચેકનું વિતરણ કરવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાઠવા નૃત્યુ સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવશે.
વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં જિલ્લાની જાહેરજનતાને સામેલ થવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
